વાપી, તા.પ
વલસાડ શહેરના લડાયક નેતા અને વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખને વલસાડમાં આવનારી વિધાનસભા ર૦૧૭ અને વલસાડ નગરપાલિકા જે ર૦૧૮ ફેબ્રુઆરીમાં આવી રહી છે તેમાં રાજુ મરચાને વલસાડ જિલ્લામાંથી ચૂંટણીમાં ભાજપને ફાયદો થાય તે માટે પોલીસનો ઉપયોગ કરીને તડીપારની નોટિસ આપવામાં આવી છે. માજી પ્રમુખ રાજુ મરચાને શાંતિ અને કાયદો વ્યવસ્થા સામે જોખમ હોવાનું જણાવી તેની વિરૂદ્ધ વલસાડ સિટી પોલીસે દરખાસ્ત તૈયાર કરાવી મંજૂર કરાવી તા.ર૩ ઓગસ્ટના રોજ તૈયાર થયેલી નોટિસ તેઓને ખુલાસાનો સમય ના મળે તે માટે ૯ દિવસ મોડી તા.ર સપ્ટેમ્બરના રોજ આપેલ છે. રાજુ મરચા વલસાડ શાંતિ સમિતિના સભ્ય પણ છે. અગાઉ પણ તેઓને ર૦૧૬માં નોટિસ મળી હતી ત્યારે તાજીયા કમિટી હિન્દુ-મુસ્લિમ વેપારીઓએ રેલી કાઢી ભાજપ સરકારની સામે વિરોધ નોંધાવ્યો હતો. રાજુ મરચા પોતે પ્રજાના ગરીબો, વેપારી, ઝુપડાવાસીઓ અને આદિવાસી તથા કચડાયેલ વર્ગ અને લઘુમતિના પ્રશ્ને ઉઠાવનારા આદિવાસી ઘોડિયા પટેલ જ્ઞાતિના છે. તેઓ વલસાડમાં કાયમ સત્તાધીશો માટે નગરપાલીકા, પોલીસ તથા સરકાર સામે આંદોલનો કરવા માટે જાણીતા છે તેઓના પત્ની મીરાબેન વોર્ડ નંબર ૧માંથી અપક્ષ તરીકે અને તેઓની પુત્રી ઉર્વશીબેન રાજુભાઈ પણ અપક્ષ તરીકે વોર્ડ નં.રમાંથી અપક્ષ તરીકે ચૂંટાઈને આવેલ છે. ર૧ દિવસમાં ગણેશ વિવાદમાં ૭ નોટિસો રાજુ મરચાને મોકલાવી રાજુ મરચા સાથે ગુજરાત ટુડેના પ્રતિનિધિએ વાત કરતા તેઓએ ઉપરોક્ત તમામ વાત જણાવી જણાવ્યું કે અમારો પરિવાર ગરીબો, દલિતો, આદિવાસી, લઘુમતિઓના રક્ષણ માટે વલસાડના પ્રજાજનોના વેપારીઓના સહકારથી રાજકારણમાં સક્રિય રહી વર્ષોથી સેવા કરતો આવેલ છે અને રહેશે. વલસાડ પોલીસ તરફથી યોજાતી શાંતિ સમિતિની બેઠકમાં તે સભ્ય તરીકે જાય તો તેઓ અશાંતિ કેવી રીતે વલસાડ શહેરમાં લાવી શકે. ર૦૧૩થી ર૦૧૭ સુધી કોઈ વેપારી સમાજને ધમકી આપવાનો બનાવ નથી. તો વલસાડ પોલીસ ભાજપના નેતાઓની વાત માની અને શહેરમાંથી તડીપારની નોટિસ આપી છે તે ખૂબ જ દુઃખદ બનાવ છે.