વલસાડ, તા.૧
નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે નિમિત્તે બાઇસિકલ મેયર ડો. ભૈરવી જોષીનાં પ્રયત્નોના ભાગરૂપે હવે બાળકો સ્કૂલમાં સાઇકલિંગને વિષય તરીકે ભણશે. પ્રદૂષણ ઓછું થાય એ માટે સાઇકલિંગ શ્રેષ્ઠ ઉપાય છે. વલસાડના બાઇસિકલ મેયર ડૉ. ભૈરવી જોષી સૌથી વધારે લોકો સાઇકલિંગ કરતાં થાય એ દિશામાં કામ કરી રહ્યાં છે. એમના પ્રયત્નોના ભાગરૂપે વલસાડની બે સ્કૂલ શેઠ આર.જે.જે. હાઇસ્કૂલ અને કુસુમ વિદ્યાલયે હવે ટાઇમટેબલમા સાઇકલિંગનો પિરિયડ ઉમેરવાની જાહેરાત કરી છે. એમના આ નિર્ણયને વલસાડના ડી.ઇ.ઓ ભરતભાઇ પટેલે પણ સમર્થન આપ્યું છે.
બાઇસિકલ મેયર ડો.ભૈરવી જોષી કહે છે કે-દિલ્હીમાં પ્રદૂષણનો રેશિયો સીમા ઓળંગી ગયો છે. ત્યાંના લોકોએ માસ્ક પહેરીને ફરવું પડે છે. ટૂંક સમયમાં જ બીજા શહેરોની હાલત પણ દિલ્હી જેવી થઇ શકે છે. આ માટે નાગરિક તરીકે આપણે જ જાગૃત થવું જોઇએ. સાઇકલિંગ એક આદત બને એ માટે બાઇસિકલ મેયર તરીકે હું શહેરની જુદી-જુદી સ્કૂલમાં બાળકોને સાઇકલ ચલાવવા અંગે પ્રેરિત કરવા માટે જતી હતી. આ પરથી મને વિચાર આવ્યો કે સ્કૂલમાં જેવી રીતે ફિઝીકલ એજ્યુકેશનનો એક પિરિયડ હોય છે-એવો જ પિરિયડ સાઇકલિંગનો કેમ ન હોય શકે ? મેં શહેરની સ્કૂલના આચાર્યો અને ડી.ઇ.ઓ સાથે આ વિચાર શેર કર્યો અને એમણે મારા આ વિચારને વધાવી લીધો.
સ્કૂલના ટાઇમટેબલમાં સાઇકલિંગનો પિરિયડ દાખલ કરવાના વિચારને વલસાડની બે સ્કૂલે વધાવી લીધો છે. હવે આ સ્કૂલનાં બાળકોને પંદર દિવસમાં એકવાર સાઇકલિંગનો વિષય ભણાવાશે. જેમાં સાઇકલિંગથી થતાં ફાયદાથી લઇને સાઇકલિંગ કરાવવા સુધીની એક્ટિવિટી પણ કરાવાશે.
વલસાડના ડી.ઇ.ઓ ભરતભાઇ પટેલ કહે છે કે, ડૉ. ભૈરવી જોષીનો આ વિચાર બાળકોના ભવિષ્ય માટે તો પ્રેરણાદાયી છે જ પણ જો દરેક નાગરિક સાઇકલિંગ કરતાં થશે તો પ્રદૂષણ પણ ઓછું થઇ શકશે. સ્કૂલનાં ટાઇમ ટેબલમાં સાઇકલિંગને વિષય તરીકે દાખલ કરવા પર હવે આગળ અમે કામ કરીશું.