વલસાડ, તા.૬
વલસાડના યુવા ફોટોગ્રાફર યાસીર બકીલીની તસવીરોની પસંદગી હૈદરાબાદ ખાતે યોજાનારા ઈન્ડિયન ફોટો ફેસ્ટિવલ માટે થઈ છે. ફોટોગ્રાફરો માટે અતિ પ્રતિષ્ઠિત એવી આ સ્પર્ધામાં વિશ્વના બાવન દેશના પ૧૦ ફોટોગ્રાફરની એન્ટ્રી પસંદગી માટે આવી હતી. એ પૈકી પસંદ થયેલા માત્ર ૧૬ ફોટોગ્રાફરોમાં યાસીર બકીલીની પસંદગી થઈ છે. હૈદરાબાદ ખાતે તા.ર૧મી સપ્ટેમ્બરથી ૮મી ઓક્ટોબર, ર૦૧૭ દરમિયાન યોજાનાર પ્રદર્શનમાં આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર સાથે વલસાડના યાસીર બકીલીની ૩ર તસવીરોનું પ્રદર્શન પણ થશે. આ પ્રદર્શનમાં કોઈ એક તસવીર નહીં પરંતુ કોઈ એક થીમ ઉપરની સીરિઝનું પ્રદર્શન થાય છે. યાસીર બકીલીએ અનેક વિષયો પર તસવીરોની આખી સીરિઝ કરી છે. ખાસ કરીને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોની ફોટોગ્રાફી કરતા યાસીર બકીલીનું એક પ્રદર્શન ગુજરાત લલિતકલા અકાદમીના સહયોગથી અમદાવાદ ખાતે યોજાઈ ચૂક્યું છે. જેની ગુજરાતભરના ખ્યાતનામ કલાકારો અને ફોટોગ્રાફરોએ પ્રશંસા કરી હતી. હવે યાસીરની પસંદગી એક આંતરરાષ્ટ્રીય પ્રદર્શનીમાં થઈ છે. વલસાડમાં રહીને પણ ફોટોગ્રાફી ક્ષેત્રે ખૂબ નામના મેળવી રહેલા યાસીર બકીલીને અનેક લોકોએ અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી.