(એજન્સી) અલવર, તા.૩૦
હરિયાણાના નૂહ જિલ્લામાં ગૌતસ્કરીના આરોપમાં અકબર ઉર્ફે રકબર ખાનની માર મારીને નિર્મમ હત્યા નિપજાવ્યાના થોડાક દિવસો પછી રવિવારે કોલગામમાં શાંતિ અને ભાઈચારો ફેલાવવાના ઉદ્દેશ્યથી અને દોષિતોને જલદીથી સજા અપાવવાના પ્રયાસના ભાગરૂપ રકબર ઈન્સાફ કમિટી દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ઈન્ડિયા મેવાતી સમાજના પ્રમુખ રમઝાન ચૌધરીએ મહાપંચાયતમાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ રકબર ખાન હત્યા મામલાની તપાસ કરવાની માગણી કરી હતી. સાથે જ રકબરના પરિવારને વળતર ચૂકવવા તેમજ રકબરની વિધવાને સરકારી નોકરી અને સરકાર તેના બાળકોનું શિક્ષણનો ખર્ચ ઉઠાવે તેમજ રકબરના હત્યાના આરોપીઓને વહેલીતકે ધરપકડ કરવાની માગણી કરી હતી. એમણે જણાવ્યું કે, ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજા અને નવલ કિશોર શર્મા અને વિશ્વ હિન્દુ પરિષદના ગૌરક્ષા સેલના સ્થાનિક નેતાની પણ ધરપકડ કરવામાં આવે તેવી કમિટીની માંગ છે. કમિટીએ પૂછપરછના નામે રકબરના પરિવારજનોની હેરાનગતિ ન થાય તેવી પણ માગણી કરી હતી. મહાપંચાયતમાં ઉપસ્થિત સ્વરાજ ઈન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે, રકબરની જે રીતે હત્યા કરવામાં આવી તે ફક્ત સમાજ માટે જ નહીં પરંતુ દરેક ભારતીય માટે શરમજનક છે. તેમણે કહ્યું કે, દુઃખદ વાત એ છે કે આવી ઘટનાઓ અટકી જ રહી નથી.