અમદાવાદ,તા.૧૯
ફેકટરી બંધ કર્યા અંગેનું સર્ટિફિકેટ આપવા માટે કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીના ડેપ્યુટી ડાયરેકટર રૂા. પાંચ હજારની લાંચ લેતા એસીબીની ઝપટમાં આવી ગયા છે. ત્યારે એસીબીએ ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ વીમા નિગમ કચેરીના કલાસ-૧ અધિકારી એવા ડેપ્યુટી ડાયરેકટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એન્ટી કરપ્શન બ્યુરોની (એસીબી) ટીમે અમદાવાદ શહેરના આશ્રમ રોડ ખાતે આવેલી કર્મચારી રાજય વીમા નિગમની કચેરીમાં છટકું ગોઠવીને કચેરીના ડેપ્યુટી ડાયરેકટર મહાદેવ સીતારમ મીનાને રૂા. પાંચ હજારની લાંચ લેતા ઝડપી પાડયા હતા.
એક ફકેટરીના માલિકની વર્ષ ર૦૧રથી ફેકટરી બંધ હાલતમાં હતી. ત્યારે વર્ષ ર૦૦૭થી ર૦૧ર સુધીના બાકી નિકળતા ચૂકવણા માટે કર્મચારી રાજય વીમા નિગમના ડેપ્યુટી ડાયરેકટરે રૂા.૮૧,પ૦૦નું ચૂકવણાનું બિલ ભરવા માટે નોટિસ ફટકારી હતી. ત્યારે ફેકટરી માલિકે રૂા.૮૧,પ૦૦નો ્ડ્રાફટ લઈ ફેકટરી બંધ કર્યાનું સર્ટિફિકેટ ડેપ્યુટી ડાયરેકટર મહાદેવ મીના પાસે માંગ્યું હતું. ત્યારે મહાદેવ મીનાએ સર્ટિફિકેટ આપવા માટે રૂા.૧૦ હજારની લાંચ માંગી હતી. જો કે રકઝકના અંતે તેમણે રૂા. પાંચ હજારની લાંચ લેવાનું સ્વીકાર્યું હતું. પરંતુ ફેકટરી માલિકને લાંચ આપવાનું મુનાસીબ ના લાગતા તેણે એસીબીનો સંપર્ક કર્યો. ત્યારે એસીબીએ છટકુ ગોઠવીને રૂા.પાંચ હજારની લાંચ લેતા નિગમના ડેપ્યુટી ડાયરેકટર મહાદેવ મીનાને રંગેહાથ ઝડપી પાડયા હતા.