National

કમલનાથનો વંદે માતરમ્‌ અંગે નવો અભિગમ : પોલીસ બેન્ડ સાથે કરશે ગાન

(એજન્સી) ભોપાલ, તા.૩
મધ્ય પ્રદેશમાં વંદે માતરમ્‌ ગીતને લઈ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ તરફથી સતત થઈ રહેલ હુમલા અને દબાણની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથ પોતાના વલણથી બદલવા માટે મજબૂર થઈ ગયા. તેમણે કહ્યું કે હવે પોલીસ બેન્ડની સાથે વંદે માતરમ્‌ ગવાશે. જણાવી દઈએ કે અત્યાર સુધી વંદે માતરમની ચાલી આવી રહેલ પરંપરા મુજબ આ સામૂહિક ગાન મંત્રાલય પરિસરમાં મંત્રીની હાજરી અથવા મુખ્ય સચિવની ઉપસ્થિતિમાં થતું આવ્યું છે.
આ વચ્ચે ૧લી જાન્યુઆરીએ ભોપાલમાં મંત્રાલયની સામે ઉદ્યાનમાં સામૂહિક વંદે માતરમ્‌ ન ગવડાવ્યા બાદ કમલનાથ સરકાર ઘેરાઈ ગઈ હતી. જો કે, હવે હમલનાથે યૂ-ટર્ન લઈ લીધો છે. તેમણે કહ્યું, ‘ભોપાલમાં હવે આકર્ષક રૂપે પોલીસ બેન્ડ અને સામાન્ય લોકોની સહભાગિતા સાથે વંદે માતરમ્‌ ગાયન થશે. દર મહિનાના પહેલા કાર્યદિવસ પર સવારે ૧૦.૪૫ વાગ્યે પોલીસ બેન્ડ રાષ્ટ્ર ભાવના જાગૃત કરતી ધુન વગાળતાં શૌર્ય સ્મારકથી વલ્લભ ભવન સુધી માર્ચ કરશે.’
વર્ષના પહેલાં દિવસે વંદે માતરમ્‌ ગીત ન ગવાયા બાદ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર શરૂ કરી દીધા. તેમણે પૂછ્યું કે આખરે કોના કહેવા પર વંદે માતરમ્‌ની પરંપરાત તોડવામાં આવી. શિવરાજે કહ્યું કે, “જો કોંગ્રેસને રાષ્ટ્રગીતના શબ્દો નથી આવડતા કે પછી રાષ્ટ્ર ગીત બોલવામાં શરમ આવે છે, તો મને જણાવી દે. દર મહિને પહેલી તારીખે વલ્લભ ભવનના પ્રાંગણમાં જનતાની સાથે હું વંદે માતરમ્‌ ગાઈશ.’