(એજન્સી) મુંબઇ, તા.૧૧
શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જે પણ વંદેમાતરમ નહીં ગાય તેને દેશની બહાર હાંકી કાઢવા જોઇએ. શિવસેના સાંસદનું આ નિવેદન બીએમસીના એ નિર્ણય બાદ આવ્યું છે જેમાં તેેણે૧૦ ઓગસ્ટના રોજ બીએમસી અને તેના અનુદાનિત તમામ શાળાઓમાં વંદેમાતરમ ગાવું ફરજિયાત કરવાના પ્રસ્તાવને પાસ કરી દીધો હતો. બીએમસીના આ નિર્ણયનો વિપક્ષી દળો વિરોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બીએમસીમાં પ્રસ્તાવ પાસ થયા બાદ મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસની મહોર લાગવી જરૂરી છે. શાળાઓમાં વંદેમાતરમ ફરજિયાત બનાવવાને લઇને વિરોધી દળોનું કહેવું છે કે આ ખરેખર અયોગ્ય છે. તમે કોઇને બળજબરીથી કંઇ કરવા માટે મજબૂર ન કરી શકો. એઆઇએમઆઇએમના ધારાસભ્ય વારિસ પઠાને આ નિર્ણય પર વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે આ સંપૂર્ણ રીતે ગેર બંધારણીય છે. બંધારણમાં ક્યાંય નથી લખ્યું કે તમારે વંદે માતરમ્ ગાવું જ પડશે. વારિસ પઠાને તેમ પણ કહ્યું કે જો આ બળજબરીથી થોપવામાં આવશે તો તેનું પરિણામ ખરાબ આવશે. શિવસેના સાંસદ સંજય રાઉતે આ નિર્ણયની પ્રસંશા કરતાં જણાવ્યું કે આ એક યોગ્ય પગલું છે. કોઇને પણ વંદેમાતરમ ગાવાથી સમસ્યા ન હોવી જોઇએ. રાઉતે તેમ પણ કહ્યું કે જેને પણ તેનાથી સમસ્યા હોય તેણે આ દેશ માંથી બહાર નીકળી જવું જોઇએ. ઉલ્લેખનીય છે કે પાછલા દિવસોમાં ભાજપ નગરસેવક સંદીપ પટેલે આ સંદર્ભે બીએમસી સામે એક પ્રસ્તાવ મુક્યો હતો. સંદીપે પોતાના પ્રસ્તાવમાં કહ્યું હતું કે શાળાઓમાં અઠવાડિયાના ઓછામાં ઓછા બે દિવસ વંદે માતરમ્ ગવાવું જોઇએ. સંદીપ પટેલના આ પ્રસ્તાવને બીએમસીએ ગુરૂવારે પાસ કરી દીધો છે.