જૂનાગઢ, તા.૧૭
વંથલી બસ સ્ટેન્ડ સામે ત્રિકોણે આવેલ દાદા મેન્શન બિલ્ડીંગમાં નીચેના ભાગે ચોમાસા સમયે ગ્રાઉન્ડ ફ્લોરમાં ૭થી ૮ ફૂટ પાણી ભરાય છે. આ પાણી ભરાવવાની સમસ્યા નેશનલ હાઈવે થયા પછી જ ઊભી થયેલ છે. જે જગ્યાએ પાણીનો નિકાસ હતો તે જગ્યાએ આગળ ભરતી થઈ જતા પાણીનો નિકાસ સંપૂર્ણપણે બંધ થઈ ગયેલ છે. જેના કારણે નેશનલ હાઈવેનું તમામ પાણી દાદા મેન્શન બિલ્ડીંગની નીચેના ભાગે મીની તળાવ જેમ પાણીનો ભરાવો થઈ જાય છે. જે બાબતની વારંવાર રજૂઆત નેશનલ હાઈવે ઓથોરિટીને કરાઈ છે. છતાં આજદિન સુધીમાં તે માટે કોઈ જ કાર્યવાહી થઈ નથી. જેથી દાદા મેન્શન બિલ્ડીંગના માલિકો જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાને રજૂઆત કરેલ ત્યારે હર્ષદભાઈ રીબડિયાએ તેમની રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઈ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટને દિવસ-૧૦માં સંબંધિત નેશનલ હાઈવે ઓથોરિટી પાસે કાર્યવાહી કરાવો નહીંતર તે બિલ્ડીંગમાં રહેતા નિર્દોષોના જાન જોખમમાં મૂકાઈ જશે. તેવી રજૂઆત કરતું આવેદનપત્ર જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ શ્રી અંતાણીને આપેલ છે.
વિશેષમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વી.ટી.સીડા દ્વારા જણાવવામાં આવેલ છે કે, જેતપુર-સોમનાથ નેશનલ હાઈવેમાં દરેક જગ્યાએ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાણીના નિકાલ માટેની ગટરો કરવાનું આયોજન કરેલ છે ત્યારે આ વંથલીના દાદા મેન્શન બિલ્ડીંગ સામે જ કેમ નહીં ? શા માટે જે કુદરતી પાણીનો નિકાલ બંધ કરી દીધેલ છે ? જેથી તાત્કાલિક દિવસ-૧૦માં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કામચલાઉ ગટર કરીને પાણીનો નિકાલ કરી દેવામાં આવે. તેમજ ચોમાસા બાદ કાયદેસર પાણીના નિકાલની પાકી ગટર બનાવવામાં આવે તેવી માગણી દાદા મેન્શન બિલ્ડીંગના રહીશો દ્વારા કરવામાં આવેલ છે. જો બિલ્ડીંગ પાણી ભરાવવાના કારણે ધરાશાયી થશે તો ૧૩ પરિવારોના ૯૦ સદસ્યોના જાન જોખમમાં મૂકાઈ જશે તે પહેલાં તંત્ર તાકીદે કાર્યવાહી કરે તેવું જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વી.ટી.સીડાની યાદીમાં જણાવેલ છે.