વાપી, તા.૨૮
વાપીમાં વરસી રહેલ અનરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાતા મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને લાખોનું નુકસાન પહોંચ્યું છે. છેલ્લા ૨૪ કલાકથી વાપીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેથી જનજીવન પર વ્યાપક અસર પડી છે. સાંજના પ વાગ્યાથી વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નગરના ગુંજન વિસ્તાર, ગીતાનગર, ઈમરાનનગર, કંચનનગર વાપી ગુંજન સી-ટાઈપ મસ્જિદ વિસ્તાર તથા પૂર્વ પશ્ચિમના તમામ નીચાણવાળા વિસ્તારોના મકાનો-દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી તથા દુકાનધારકોનો માલ પલળી જતા ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે ભારે વરસાદમાં નગરમાં વીજપુરવઠો ખોરવાતા જીઈબીના એન્જિનિયર ડી.એમ.પટેલ તથા તેમની ટીમે ત્વરિતની કામગીરી કરી પુનઃ વીજપુરવઠો સ્થાપિત કરી પ્રશંસનિય કામગીરી કરી હતી. રાત્રીના નવ વાગ્યાના સુમારે નગરના ઈમરાનનગર, ગીતાનગર અને કંચનનગરમાં નાગરિકો જણાવે છે કે, ૪૦ વર્ષમાં અમે આવો વરસાદ કયારેય જોયો નથી. નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધિશો કલેક્ટરની સૂચનાને ઘોળીને પી ગયાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. વરસાદી ગટરો બનાવવામાં ભ્રષ્ટાચારને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી. જેથી ગટરોના પાણી મકાનોમાં કેડ સમા ઘૂસી ગયા છે. વાપીના તમામ માર્ગો બંધ થઈ ગયા છે. જેથી નોકરિયાત વર્ગે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ પોતાના ઘરે પહોંચી શકે તેમ નથી. જો હવે વરસાદ નહીં રોકાય તો વાપીમાં જાનમાલની ભારે નુકસાનીની સંભાવના દેખાઈ રહી છે. વાપીના હાલમાં નાગરિકો કુદરતના ભરોસે હોય એવું લાગી રહ્યું છે. નેતાઓ, અધિકારીઓ જોવા ન મળતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ગણેશમંડળો પણ તૂટી ગયા છે. તંત્ર વાહકોની રાહ જોયા વગર નાગરિકો એકબીજાને મદદ કરવાની કામગીરીમાં લાગી રહ્યા છે. નગરના ગુંજન વિસ્તારમાં વરસાદી કાંસ અને નાળામાં ગેરકાયદેસર રીતે બનાવાયેલ બાંધકામોને કારણે સમગ્ર ગુંજન વિસ્તાર, રામનગર અને સી-ટાઈપ વિસ્તારોમાં ભારે નુકસાન થયું છેે. આમ વાપીમાં સતત ર૪ કલાક વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.