વારાહીમાં કોમી એકતા જાળવી રાખવા હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ રેલી યોજી

પાટણ, તા.ર
પાટણ જિલ્લાના વારાહી ગામે બે દિવસ અગાઉ બ્રાહ્મણવાસમાં રહેતા કૌશિકકુમાર શાંતિલાલ વ્યાસ ઉપર સરદારખાન ઈસબખાન મલેક, નાસીરખાન સરદારખાન મલેક અને નસીબખાન મહોબતખાન મલેકે ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેને પગલે અશાંતિભર્યું વાતાવરણ સર્જાયું હતું. બનાવને લઈ ગામમાં કોમી વૈમનસ્ય ન ફેલાય તે માટે પાટણ જિલ્લા ઈન્ચાર્જ એસ.પી. પાર્થરાજસિંહ ગોહિલે આજે વારાહી દોડી આવી શાંતિ સમિતિની બેઠક બોલાવી તમામ લોકોને શાંતિ રાખવા અપીલ કરી હતી. દરમિયાન આજે બપોરે વારાહીના સ્થાનિક આગેવાનોએ સ્વયંભુ શાંતિ રેલીનું આયોજન કર્યું હતું. કોમી એકતા જાળવી રાખવાના સંદેશા સાથે નીકળેલી આ રેલીમાં હિન્દુ સમાજના આગેવાનો હરીસિંગ વાઘેલા, લવિંગજી ઠાકોર, અરવિંદભાઈ ઠક્કર, શિવાજી ગોહિલ, મોહનભાઈ પરમાર, સોલંકી વાલાભાઈ, મહેશભાઈ વ્યાસ, કમલેશભાઈ ઠક્કર, શશીકાંતભાઈ, ધીરૂભાઈ તન્ના, અમરતભાઈ ઠક્કર તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો મલેક રસુલખાન, મલેક મહેબૂબખાન, મલેક અલેફખાન, જાહીદખાન, ઉમરખાન, દિલાવરખાન સહિત બંને સમાજના લોકો જોડાયા હતા. આગેવાનોએ વારાહીની કોમી એકતા જાળવી રાખવા નગરજનોને અપીલ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks