(એજન્સી) તા.૧૮
અમેરિકાના વર્જિનિયામાં અમુક મહિનાઓ અગાઉ સવારના સમયે એક ૧૭ વર્ષીય યુવતી સાથે છેડતી તથા અપહરણની ઘટના બાદ એક તળાવમાં તેની લાશ મળી હતી જેના બાદ પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી. જોકે હવે આ કેસમાં વધુ એક ખુલાસો એ થયો છે કે આ યુવતીનું ફક્ત અપહરણ નહીં પરંતુ તેની સાથે દુષ્કર્મ પણ કરવામાં આવ્યું હતું. આ માહિતી પોલીસે દાખલ કરેલા તહોમતનામામાં જાહેર થઇ છે.
આરોપી ડાર્વિન માર્ટિનેઝ ટોરસ(રર) વિરુદ્ધ હત્યા સહિત દુષ્કર્મ અને અપહરણનું તહોમતનામું પણ દાખલ કરવામાં આવ્યું છે. આ પુરાવાઓ સાથે તેની વિરુદ્ધ મૃત્યુદંડની કાર્યવાહી હાથ ધરવાની માગણી કરવામાં આવી છે. માર્ટિનેઝ પર અગાઉ નાબરા હસન નામની મુસ્લિમ યુવતીની હત્યા કરવાનો જ આરોપ હતો. જેના બાદથી સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો હતો. જોકે સોમવારે આ મામલે તહોમતનામું દાખલ કરતા પહેલા પોલીસ આ મામલે રોડરેઝની ઘટના સમજીને જ તપાસ હાથ ધરી હતી. જોકે નેબરાના પિતાએ પોલીસની આ થિયરીને ફગાવી હતી અને કહ્યું હતું કે તેમની દીકરી પર મુસ્લિમ હોવાને લીધે જ હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ર૦૦ સમર્થકોએ નેબ્રાને ન્યાય આપો નામની ટિશર્ટ પહેરી હતી અને જોરદાર વિરોધી દેખાવો કર્યા હતા. જોકે વર્જિનિયાના કાયદા પ્રમાણે પ્રોસીક્યુટર કોઇ નક્કી પરિસ્થિતિમાં જ મૃત્યુદંડની માગણી કરી શકે છે. નેબ્રાના પરિવારને અમેરિકાની એક મુસ્લિમ નાગરિક સંસ્થા ટેકો આપી રહી છે. આ સમૂહના વકીલ ગાદેર અબ્બાસે કહ્યું કે અમારું ધ્યાન ફક્ત નેબરાને ન્યાય અપાવવાનું છે. તમને જણાવી દઈએ કે આ હુમલા બાદ ઓલ ડેલ્લાસ એરિયા સ્થિત મસ્જિદમાં રમઝાન દરમિયાન નમાઝ માટે એકઠા થયેલા મુસ્લિમ સમુદાયના નાગરિકો શોકમગ્ન થઇ ગયા હતા. આ હુમલો રવિવારે સવારે થયો હતો જ્યારે યુવતી તેના મિત્રો સાથે મસ્જિદની બહાર ફરવા જઇ રહી હતી. આ દરમિયાન એક કારમાં આવેલા યુવકે પીડિતા સાથે ગેરવર્તૂણક કરી હતી જેના બાદ બંને વચ્ચે વિવાદ થયો હતો ત્યારથી નેબરા ગુમ થઈ હતી ત્યારબાદ શોધખોળ બાદ તેની તળાવમાંથી લાશ મળી હતી.