અમદાવાદ, તા.ર૯
રાજ્યમાં ચોમાસાના વિધિવત મંડાણ થયા છે. છેલ્લા ર૪ કલાકમાં વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો રાજ્યના રપ જિલ્લામાંથી ૬૩ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભીલોડા ૪.પ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માલપુર અને પોશીનામાં ત્રણ-ત્રણ ઈંચ તેમજ વડાલી અને ખાનપુરમાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે પધરામણી કરી છે. અમરેલીના રાભડા ગામની સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. દરમ્યાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે પધરામણી કરી છે. અમરેલીના રાભડા ગામની સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. દરમ્યાન હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી ર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ શહેરમાં બે ઈંચ ખાબકતા અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. તદ્ઉપરાંત બોટાદ, રાજકોટના ગ્રામ્ય વિસ્તારો, જામનગર, કાલાવડ, બરવાળા સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યાના અહેવાલો સાંપડ્યા છે.
આ ઉપરાંત કચ્છના નખત્રાણા, નિરોણા પાવર પટ્ટી વિસ્તારમાં કોટડામાં વરસાદ વરસ્યો છે જ્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે અરવલ્લીમાં એનડીઆરએસની ટીમોને સ્ટેન્ડ બાય રખાઈ છે. અરવલ્લીના ર૮ ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ સાબદુ બન્યું છે.