(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર
રાજયમાં વરસાદ ન થવાની આગાહી વચ્ચે પુનઃ વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થતા ગરમી અને બફારાથી રાહત મળી હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં તો સમી સાંજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા ગરમીથી પિડાતી પ્રજાએ હાશકારો અનુભવ્યો હતો. અમદાવાદમાં પાલડી, આશ્રમ રોડ, સોલા, સાયન્સ સિટી, પ્રહલાદનગર, ઈસ્કોન, થલતેજ, એસ.જી. હાઈવે સહિત અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં શાહેઆલમ, દાણીલીમડા, મણિનગર, નારોલ, વટવા વરસાદે જમાવટ કરી છે. ઉલ્લેખનીય છે કે સોમવારે બપોરના સમયથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જો કે સાંજ પડતાની સાથે જ વરસાદે શહેરમાં એન્ટ્રી મારી હતી. વરસાદ પડવાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેથી શહેરીજનોએ ગરમી અને બફારામાંથી રાહતનો શ્વાસ લીધો છે. મધ્યગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અમદાવાદ સહિત રાજયના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો થયો છે. મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર, અમરેલી, વેરાવળ, અરવલ્લી, ખેડા, આણંદમાં વાતાવરણમાં પલટો થયો છે. મળતી માહિતી પ્રમાણે આજે સોમવારે સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ વરસાદનું આગમન થયું હતું. લીમડી પંથકમાં વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ હતી. તો ભાવનગરની વાત કરીએ તો પાલિતાણા શહેરમાં વાતાવરણમાં પલટો થયા બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાથી આ વિસ્તારોમાં વીજળી ગૂલ થઇ હતી. બીજી તરફ ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના ઘોઘા ગામે જોરદાર વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. આમ લોકોએ ગરમી અને બફારામાંથી રાહત મેળવી હતી. મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લાના બોરસદ, આંકલાવમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. સોમવાર સવારથી બપોર સુધી વરસાદી ઝાપટા પડ્યાના સમાચાર મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો થતાં લોકો વરસાદની મીટ માંડીને બેઠા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ફરી વરસાદી સીસ્ટમ સક્રિય થઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. અપર એર સરક્યુલેશન સીસ્ટમ સક્રિય થતાં ૪-૫ જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ આગાહી વચ્ચે વલસાડ, વાપી, ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદનું પુનઃ આગમન થતા પ્રજામાં અને ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.