
અમદાવાદ, તા.રર
‘આવ રે વરસાદ’ એવા સંબોધન સાથે જેને લાંબા સમયથી બોલાવાઈ રહ્યો હતો તે વરસાદે શનિવારના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં દેકારો બોલાવ્યો હતો. વીજળીના કડાકા ભડાકા તેમજ પવનના સૂસવાટા સાથે શનિવારે સાંજના સુમારે રાજ્યના અનેક વિસ્તારોમાં તૂટી પડેલા વરસાદે વાતાવરણમાં તો ઠંડક ફેલાવી જ દીધી હતી. સાથે જ મુરઝાતા મોબને જીવતદાન આપી ખેડૂતોને પણ ખુશખુશાલ કરી દીધા. જ્યારે રાજ્યમાં ઊભા થયેલા હવાના હળવા દબાણને જોતાં આગામી ર૪ કલાકમાં અનેક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આખરે લાંબા સમય સુધી રાહ જોયા બાદ રાજ્યમાં શનિવારના રોજ વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યાના અહેવાલ સાંપડ્યા છે. કેટલાય દિવસોના ઉકાળાટ બાદ રાજ્યના સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, દાહોદ, મોડાસા, અંબાજી, નર્મદા, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરામાં પવનના સુસવાટા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદની વાત કરીએ તો પૂર્વ વિસ્તાર એવા મણિનગર, હાટકેશ્નર, ઈસનપુર, અમરાઈવાડી, જશોદાનગર, વસ્ત્રાલ, સીટીએમ અને નારોલમાં વરસાદ પડ્યો, આ ઉપરાંત બોપલ, ઘુમા, ઈસ્કોન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અંબાજી પંથકમાં વાતાવરણમાં પલટો આવતા આંશિક રાહત મળી હતી, પંચમહાલ, અરવલ્લી, બાયડમાં પણ વાદળછાયા વાતાવરણ બાદ જિલ્લામાં ધીમીધારે વરસાદ જોવા મળ્યો હતો. ભાદરવાના તડકા અને અસહ્ય ઉકળાટણી ત્રસ્ત પ્રજાજનોએ વરસાદથી ઠંડકનો અનુભવ કર્યો હતો જ્યારે છોટાઉદેપુરમાં તો સમગ્ર પંથકમાં ક્યાંક ત્રણ ઈંચ તો ક્યાંક એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ સાથે ખાબકેલા વરસાદને પગલે અનેક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે સક્રિય થયેલ સિસ્ટમને લીધે આગામી ર૪ કલાકમાં રાજ્યના અનેક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અનેકવાર આગાહી પર ખોટા પડેલા વરસાદે આ વખતે સાચે જ વરસી પડતા ખેડૂત સમાજમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.