Ahmedabad

વરસાદી માહોલને પગલે નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ૧૫ ટીમને એલર્ટ કરાઈ

અમદાવાદ,તા.૩
રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ વરસી રહયો છે. જે માટે વાતાવરણમાં સર્જાયેલી સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમ આભારી છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગૃપની સાપ્તાહિક મીટીંગમાં રાજ્યની વરસાદી સ્થિતિનું અવલોકન કરતા સરકારે જણાવ્યું કે, સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમને કારણે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે, ક્યાંક ભારે વર્ષા પણ થઇ શકે. રાજ્યમાં આ વરસાદી માહોલ બે દિવસ સુધી ચાલુ રહેશે. રાહત નિયામક એમ.આર.કોઠારીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ૧૫ ટીમને એલર્ટ કરાઇ છે જે પૈકી અમરેલી, બનાસકાંઠા, જામનગર, સુરત, વલસાડ અને તાપી એમ છ સ્થળે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે વધારાની છ ટીમ વડોદરા અને ૩ ટીમ ગાંધીનગર ખાતે સ્ટેન્ડ બાય છે. આ બેઠકમાં માર્ગ-મકાન, સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, વીજ કંપનીઓ, વાહનવ્યવહાર વગેરે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિભાગની સજ્જતા વિશે માહિતી આપી હતી. આ બેઠકમાં નાયબ રાહત નિયામક જી.બી. મુંગલપરા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.