(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૭
દક્ષિણ ગુજરાતમાં તા.ર૯મી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી શહેર – જિલ્લામાં વરસાદનો વિરામ યથાવત રહ્યો છે. આજે દિવસ દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નિઝર તાલુકામાં સૌથી વધુ ૧૭મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.
સુરત જિલ્લા ફલ્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમિયાન જિલ્લાના પલસાણા ખાતે ૬ મીમી, માંડવી ખાતે ૪ મીમી, કામરેજમાં ૩ મીમી, બારડોલીમાં ૨ મીમી અને સુરત શહેરમાં ૧ મીમી જેટલો નજીવો વરસાદ નોંધાયો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ૨૫ થી ૨૯મી જુન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અગાહી મુજબ વરસાદ નોેંધાયો નથી છેલ્લા બે દિવસથી શહેર- જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે. એકમાત્ર ડાંગ જિલ્લામાં નોેંધપાત્ર વરસાદ ગતરોજ નોેંધાયો હતો. સુબીરમાં ૫૨ મીમી સાપુતારામાં ૩૧મીમી, આહવામાં ૨૪ મીમી અને વઘઇમાં ૭ મીમી જેટલો સામાન્ય વરસાદ બાદ આજે સવારથી ડાંગ, વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયુ છે, પરંતુ વરસાદ નોેંધાયો નથી એક માત્ર તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આજે સવારે ૧૭ મીમી, સોનગઢમાં ૮ મીમી જેટલો નજીવો વરસાદ નોેંધાયો છે. તે સિવાય અન્ય તાલુકાઓમાં વરસાદ નોેંધાયો નથી. બે દિવસ અગાઉ થયેલ વરસાદ બાદ દક્ષિણ ગુજરાતમાં ઉઘાડ નીકળતા ખેડૂતો વાવણીના કામમાં જોતરાઇ ગયા હોવાનું જાણવા મળે છે.