અમદાવાદ,તા.૧૯
રાજયભરમાં એક તરફ વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતને લઈને હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. આગામી તારીખ ર૦થી ર૧ જુલાઈ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યકત કરવામાં આવી છે. આ સાથેજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની શકયતા હાલ ઓછી છે. ગુજરાત હવામાન વિભાગના ડિરેકટરે જણાવ્યું હતું કે, એપર એર સાયકલોનિક અસરને પગલે દક્ષિણ ગુજરાત અને ઈસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, નર્મદા, દમણ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની બહુ સંભાવના વ્યકત કરવામાં આવી નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ૧૯મી જુલાઈના રોજ રાજયના અમુક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. જે બાદમાં ર૦ અને ર૦ જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તે પછીના બે દિવસ સુધી વરસાદમાં ઘટાડો જોવા મળશે. અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ ર૪ ટકા વરસાદ પડયો છે. સામાન્ય રીતે બંગાળની ખાડીમાં ઉભા થતા લોપ્રેશર કે ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતમાં વરસાદ પડતો હોય છે. આ વખતે આ સીસ્ટમ સક્રિય ન થતા ગુજરાતમાં વરસાદ ન પડી રહ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.