Ahmedabad

વસ્ત્રાપુરમાં એક જ સમયે ચાર સોનાની ચેઇન લૂંટાઇ

અમદાવાદ,તા. ૧૩
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અમદાવાદની મુલાકાતે હોઇ શહેર પોલીસતંત્રનો મોટાભાગનો સ્ટાફ અને અધિકારીઓ બંદોબસ્તમાં રોકાયેલા હોવાથી ચેઇન સ્નેચરોએ આ સમયનો ભારે ફાયદો ઉઠાવ્યો હતો અને શહેરના વસ્ત્રાપુર પોલીસમથકના એક જ વિસ્તારમાં બે પુરૂષોના ગળામાંથી સોનાની ચાર ચેઇન તોડી રીતસરનો આંતક મચાવ્યો હતો. ચેઇન સ્નેચીંગનો ભોગ બનેલા એક યુવકના ગળામાંથી તો ચેઇન સ્નેચરો રૂ.૧.૨૦ લાખની કિંમતની સોનાની ત્રણ ચેઇનો એકસાથે તોડી ફરાર થઇ જતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. એકસાથે એક પુરુષના ગળામાંથી ત્રણ ચેઇન તોડાઇ હોય તેવો આ પ્રથમ કિસ્સો શહેર પોલીસના ચોપડે નોંધાયો છે. આટલા મોટા મહાનુભાવો જે વસ્ત્રાપુર હોટલ હયાતમાં આવવાના હોય અને તેને લઇ લોખંડી સુરક્ષા કવચ ઉભુ કરાયું હોય તેમછતાં તે જ વિસ્તારમાં એક જ સમયના અરસામાં સોનાની ચાર ચેઇન તોડાતાં પોલીસની ભૂમિકા સામે પણ ગંભીર સવાલ ઉઠયા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સોલા વિસ્તારમાં પ્રતીક્ષા એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને સ્વામિનારાયણ સ્કૂલમાં ક્રિકેટ કોચ તરીકે ફરજ બજાવતાં ૩૦ વર્ષીય રામભાઇ એભાભાઇ કેસવાલા ગઇકાલે તેમની પત્નીને યુકે જવાનું હોઇ વહેલી સવારે ચાર વાગ્યે તેમને એરપોર્ટ પર ઉતારી બોડકદેવ વિસ્તારમાં સૂર્યમંદિર ફલેટ ખાતે પોતાની સાસરીમાં પરત આવ્યા હતા અને ત્યાંથી સાડા સાતથી પોણા આઠ વાગ્યાની વચ્ચે તેઓ પોતાના ઘેર જવા નીકળ્યા હતા ત્યારે ફલેટની બહાર જ બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો તેમના ગળામાંથી અચાનક જ પોણા બે તોલાની બે અને એક તોલાની એક એમ મળી સોનાની કુલ ત્રણ ચેઇનો તોડી પળવારમાં જ પલાયન થઇ ગયા હતા. ચોંકાવનારી વાત એ હતી કે, આ ત્રણેય ચેઇનની કિંમત રૂ.૧.૨૦ લાખની હતી. એટલે કે, ચેઇન સ્નેચરોએ મોટો હાથ માર્યો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ થાય તે પહેલાં તો, વસ્ત્રાપર વિસ્તારમાં જ તીર્થધામ ફલેટ નજીક ચેઇન સ્નેચીંગનો બીજો બનાવ નોંધાયો હતો અને તેમાં પણ પુરૂષને જ ટાર્ગેટ કરાયો હતો. સેટેલાઇટની સત્યાગ્રહ છાવણીમાં રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતા વિજયભાઇ રામચંદવાની (ઉ.વ.૫૫) મોર્નીંગ વોક કરી પોતાના ઘેર પરત ફરી રહ્યા હતા ત્યારે મંદિર પાસે એક બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો તેમના ગળામાંથી રૂ.૨૫ હજારની કિંમતની સોનાની ચેઇન તોડી ફરાર થઇ ગયા હતા. આ બંને બનાવો અંગે વસ્ત્રાપુર પોલીસમથકમાં બંને પુરૂષોએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ બનાવો અંગે તપાસ હાથ ધરી છે પરંતુ બીજીબાજુ, સવાલો એ પણ ઉઠયા હતા કે, મોદી અને શિન્ઝો જે વસ્ત્રાપુરની હોટલમાં આવવાના હોય અને સુરક્ષાનું અભેદ્ય કવચ ઉભુ કરાયુ હોય તે જ વિસ્તારમાં ચેઇન સ્નેચરો સેંધ મારી ગયા એ બહુ મોટી વાત કહેવાય. અમદાવાદ શહેરમાં જાન્યુઆરીથી ઓગસ્ટ મહિના સુધીમાં ૨૦૦થી વધુ ચેઇન સ્નેચીંગના બનાવો નોંધાઇ ચૂકયા છે. જેમાં જૂલાઇથી સપ્ટેમ્બર મહિનામાં જ ૨૫ થી વધુ પુરૂષોના ગળામાંથી સોનાની ચેઇન ખેંચાઇ છે. ચેઇન સ્નેચરો હવે બિન્દાસ્ત રીતે પુરૂષોના ગળામાંથી પણ સોનાની ચેઇન તોડીને ફરાર થઇ જાય છે. ખાસ કરીને ચેઇન સ્નેચરો મોર્નીંગ વોકમાં નીકળતા પુરૂષો અથવા તો સવારના નિર્જન સમયમાં તકનો લાભ ઉઠાવી પુરૂષોના ગળામાંથી સોનાની ચેઇન તોડી પલાયન થઇ જાય છે.