અમદાવાદ,તા. ૨૮
બોપલના વેપારી પાસેથી ત્રણ દિવસ પહેલાં બાવળા-સરખેજ હાઇવે પર આશરે રૂ.બે લાખની રોકડરકમની લૂંટ ચલાવવાના ચકચારભર્યા પ્રકરણમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને બાવળા પોલીસે સંયુકત ઓપરેશનમાં એક કિશોર સહિત ચાર આરોપીઓને ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પકડાયેલા આરોપીમાં એક આરોપી કે જે વેપારીને ઓળખતો હતો અને તે રોકડ લઇને જઇ રહ્યા હોવાની માહિતીના આધારે લૂંટનો પ્લાન ઘડયો હતો જો કે, ચારેય આરોપીઓ ગણતરીના કલાકોમાં પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. મોજશોખ પૂરો કરવા અને શોર્ટકટથી પૈસા કમાવા માટે લબરમૂછિયા આરોપીઓ લૂંટના રવાડે ચઢયા હોવાનો પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આ અંગેની વિગત એવી છે કે, બોપલની આબાદનગર સોસાયટી ખાતે રહેતા અને બોપલની બહુચર ટ્રેડીંગ કંપનીના કોસ્મેટીક ચીજવસ્તુઓનો હોલસેલનું કામ કરતા ફરિયાદી કમલેશ કાંતિભાઇ ઠાકોર(ઉ.વ.૨૭) તા.૨૫-૮-૧૭ના રોજ પોતાની બોલેરો કારમાં કોસ્મેટીક સામાન ભરી બાવળાની નીલકંઠ ટ્રેડીંગ કંપનીમાં માલ આપવા જઇ રહ્યા હતા ત્યારે બાવળા-સરખેજ નેશનલ હાઇવે પર ગોકુલ રાઇસ મીલ નજીક બાઇક પર આવેલા ત્રણ યુવકોએ તેમની જીપનો પીછો કરી ઓવરટેક કરી તેમને ઉભા રાખ્યા હતા અને પછી ધાકધમકી આપી તેમની પાસેથી રૂ.બે લાખ જેટલી રોકડ રકમની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને બાવળા પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી આરોપી સોહીલ ઉસ્માનભાઇ મેમણ(ઉ.વ.૨૧), આરોપી નિકુલ કચરાજી ઠાકોર(ઉ.વ.૧૯), આરોપી ઇરફાન ફતેહમહંમદ રાઉમા(ઉ.વ.૨૨)(તમામ રહે. બાવળા, આર્યસમાજ મંદિર સામે) અને એક કિશોરની ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેમની પાસેથી લૂંટની રકમ અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, આરોપી નિકુલ કચરાજી ઠાકોર બાવળાની નીલકંઠ ટ્રેડીંગમાં નોકરી કરે છે અને તેથી ફરિયાદી કમલેશ ઠાકોર અવારનવાર તેમની દુકાનમાં માલ આપવા આવે છે અને વેચાણની રોકડ લઇ જતા હોય છે તે વાતથી સારીરીતે વાકેફ હતો અને તેથી પોતાના મિત્રો સાથે આ નાણાંની લૂંટ માટેનો પ્લાન ઘડી તેને અંજામ આપ્યો હતો. જો કે, ચારેય આરોપીઓ પોલીસના હાથે ગણતરીના કલાકોમાં ઝડપાઇ ગયા હતા.