જામનગર, તા.૩
જામનગર માર્કેટ યાર્ડમાં વેપારીઓની હડતાલ યથાવત રીતે ચાલુ રહેવા પામી છે. બીજી તરફ યાર્ડમાં ખેડૂતોનું મગફળી વેંચાણ માટે બે દિવસમાં ૧૧૦૦ જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે.
ભાવંતરના પ્રશ્ને સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરવામાં આવી છે. જામનગરના માર્કેટ યાર્ડમાં પણ વેપારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા છે. પરિણામે જણસોની આવક બંધ થતા માલની હરાજી બંધ થઈ જવા પામી છે.
તો માર્કેટ યાર્ડમાં આમ પણ તા. ૬ થી ૧૧ સુધી દિવાળી વેકેશન માટે રજા રાખવામાં આવનાર છે. તો બીજી તરફ ટેકાના ભાવે મગફળી વેંચવા માટે ખેડૂતોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં જામનગરના માર્કેટ યાર્ડમાં ૧૧૦૦ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.