(એજન્સી) તા.૨
ભારતના રજીસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનર શૈલેષે જણાવ્યું હતું કે નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) સંબંધીત વેરિક્ેશન પ્રક્રિયામાં સૌથી મોટું ડીફોલ્ટર રાજ્ય હતું. આસામના NRCના આખરી ડ્રાફ્ટમાંથી ૪૦ લાખ લોકોની બાદબાકીના મામલે ઊહાપોહ મચાવનાર મુખ્ય પ્રધાન મમતા બેનરજીના પ.બંગાળમાં જ આવી સ્થિતિ હતી. NRCની સમગ્ર કવાયત પર દેખરેખ રાખનાર શૈલેષે જણાવ્યું હતું કે તેમણે NRC અધિકારીઓ દ્વારા માગવામાં આવેલા દસ્તાવેજ એકત્ર કરવામાં પ.બંગાળ સરકારની મદદ માટે પોતાના સ્ટાફનેે પણ કામે લગાડી દીધો હતો પરંતુ તેના પ્રયાસો ફળદાયી રહ્યા ન હતા. તેમના જણાવ્યા પ્રમાણે આ વેરીફિક્ેશન પ્રક્રિયા એવા લોકો માટે હતી કે જેઓ મૂળ અલગ રાજ્યના છે પરંતુ વિવિધ કારણોસર આસામમાં વસે છે. તેમના જણાવ્યા પ્રમાણે NRC સત્તાવાળાઓએ તેને મોકલેલા દસ્તાવેજોમાંથી રાજ્યએ માત્ર ૬ ટકા દસ્તાવેજો પરત કર્યા હતા. અન્ય મોટા ડીફોલ્ટરોમાં બિહાર, ચંદીગઢ, મણિપુર અને મેઘાલયનો સમાવેશ થતો હતો કે જેમણે વેરિફીકેશન બાદ માત્ર ૨થી૭ ટકા દસ્તાવેજો પરત કર્યા હતા. આ લોકો દ્વારા નાગરિકત્વ માટે જે દાવા કરવામાં આવ્યા હતા તેની ચકાસણીના પરિણામો ચેક કરીને પરત કરવામાં અન્ય રાજ્યો અને કેન્દ્રીય સંગઠનો નિષ્ફળ જતા NRCના આખરી ડ્રાફ્ટમાં ઓછામાં ઓછા ૫ લાખ લોકોના નામો સમાવી શકાયા નથી. શૈલેષે જણાવ્યું હતું કે તમામ રાજ્યોમાં પ.બંગાળ એવું રાજ્ય હતું કે જ્યાંથી અમને વધુ દસ્તાવેજો મળ્યા નથી. આ માટે અમારે સંઘર્ષ કરવો પડ્યો હતો, અમારે ફોલોઅપ કરવું પડ્યું હતું. પ.બંગાળથી અમને સંતોષજનક સંખ્યામાં દસ્તાવેજો મળ્યા નથી. પ.બંગાળનો જવાબ પણ સંતોષજનક ન હતો.