(એજન્સી) કોલકાતા, તા. ૫
વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) સાથે સંકળાયેલા બજરંગ દળ અને દુર્ગાવાહિની કહેવાતા ‘લવ જિહાદ’ સામે ઘેર-ઘેર ઝુંબેશ ચલાવવા માટે તૈેયારીઓ કરી રહ્યા છે. વિશ્વ હિન્દુપરિષદે જો આ ઝુંબેશ નહીં ચલાવવા દેવામાં આવે તો ગંભીર પરિણામોની સમગ્ર પશ્ચિમ બંગાળના લોકોને ચેતવણી આપી છે. ઇન્ડિયા ડોટ કોમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે માથામાં સિંદુર પુરવા અને મંગળસૂત્ર પહેરવાનું ફરજિયાત બનાવવા ઉપરાંત શું કરવું અને શું ન કરવું ?ની બનાવવામાં આવેલી યાદીમાં હિન્દુ ધર્મ સિવાય અન્ય કોઇ ધર્મના પુરૂષ સાથે લગ્ન કરવાના કેસમાં પતિને હિન્દુ બનાવવા અને ઘરે ધાર્મિક માહોલ પેદા કરવા તેમ જ વિહિપ કે પોલીસનો સંપર્ક કરવાની બાબતનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં આપેલા એલાન મુજબ લવ-જિહાદની પ્રથા ડામવાની ઝુંબેશમાં દુર્ગાવાહિનીના ૩૫,૦૦૦ અને બજરંગદળના ૪૦,૦૦૦ સભ્યો ભાગ લેશે. દુર્ગાવાહિની અને બજરંગદળના સભ્યો સમગ્ર પશ્ચિમ બંગાળમાં ઝુંબેશ ચલાવવા માટે પત્રિકાઓ વહેંચવા ઉપરાંત ઘેર-ઘેર જશે. પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશા તેમ જ અંદામાન નિકોબારના વિહિપના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી સચિન્દ્રનાથ સિંહાએ જણાવ્યું કે ટૂંક સમયમાં આ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. સમગ્ર બંગાળમાં અમે આ મુદ્દા પર પ્રકાશ પાડવા અને લોકોમા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીેએ. પશ્ચિમ બંગાળમાં લવ-જિહાદ એક ગંભીર સમસ્યા છે.