(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૫
અમૂલનાં આઈસક્રીમ અને કેસર પીસ્તા કુલ્ફીમાં સુવરની ચરબી વપરાતી હોવાનો અને મુસલમાનો માટે અમૂલનો આઈસ્ક્રીમ હરામ હોવાનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે અમુલનાં સત્તાધીશોએ વાયરલ વિડીયોમાં દર્શાવેલા દાવાનું ખંડન કરી અમુલની પ્રતિષ્ઠાને નુકસાન કરવા માટે આ વિડીયો વાયરલ કરાયો હોવાનું જણાવ્યું હતું.
આણંદ શહેર સહીત સમગ્ર જિલ્લામાં હાલમાં બે જુદા જુદા વિડીયો વાયરલ થયા છે, જેમાં એક વિડીયોમાં અમૂલ આઈસ્ક્રીમમાં સુવરની ચરબી ઉપયોગ કરાતો હોવાનુું તેમજ આઈસ્ક્રીમ પર જેઈ-૪૭૧ કોડ છે તે કોડ ગુગલ સર્ચમાં સર્ચ કરવાથી સુવરની ચરબી તરીકે દર્શાવેલ જોવા મળે છે, જેથી મુસ્લીમો માટે સુવરની ચરબી હરામ હોઈ મુસ્લિમોએ અમુલનું આઈસ્ક્રીમ ખાવાથી દુર રહેવા જણાવવામાં આવે છે.
જ્યારે બીજા વિડીયોમાં કેટલાક લોકો દ્વારા હાથમાં અમૂલની કેસર પીસ્તા કુલ્ફી દર્શાવી તેમાં સુવરની ચરબી ભેળવવામાં આવતી હોય તે મુસ્લિમો માટે હરામ હોઈ મુસ્લીમોએ અમૂલની કુલ્ફી ખાવી નહી જોઈએ તેમ દર્શાવેલ છે.
અમૂલનાં આઈસ્ક્રીમ અને કુલ્ફીમાં સુવરની ચરબી ભેળવવામાં આવતી હોવાનાં વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ વાયરલ વિડીયોથી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશન પણ ચોકી ઉઠયું છે, અને તેઓ દ્વારા આ વાયરલ વિડીયોની તપાસ હાથ ધરવામાં આવી છે. અને અમૂલ આઈસ્ક્રીમ અને કુલ્ફીમાં સુવરની ચર્બી ભેળવવામાં આવતી હોવાની વાતનું ખંડન કર્યું છે, અને કોઈ પણ જાનવરની ચરબી કે માંસનો ઉપયોગ અમૂલ કરતું નથી તેમજ અમૂલની પ્રતિષ્ઠાને નુકશાન કરવા માટે આવા વિડીયો વાયરલ કરાયા હોવાનું જણાવ્યું હતું.
આ બાબતે ગુજરાત કો.ઓ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનનાં મેનેજીંગ ડીરેકટર આર. એસ. સોઢીએ જણાવ્યું હતું કે વાયરલ વિડીયોમાં જે આઈસ્ક્રીમમાં સુવરની ચરબી દર્શાવવામાં આવે છે, તે વાત તદ્દન ખોટી છે, અમૂલ ૩૬ લાખ ખેડુતોની માલિકીની ૭૨ વર્ષ જુની સંસ્થા છે, અમૂલની કોઈ પણ પ્રોડકટમાં જાનવરની ચરબી ઉપયોગમાં લેવામાં આવતી નથી અને અમૂલની તમામ પ્રોડકટસ ૧૦૦ ટકા શાકાહારી છે, આ કોઈ પ્રતિસ્પર્ધક સ્થાપિત હીત દ્વારા અમૂલને બદનામ કરવા માટે વિડીયો વાયરલ કરાયો હોવાનું જણાવ્યું હતું અને અમૂલ તેની તપાસ કરી રહ્યું છે, અમૂલ કોઈ કોર્પોરેટ કંપની નથી કે તેને નાણાં કમાવવા માટે ખોટો રસ્તો લેવો પડે, અમૂલ માટે ગ્રાહકો અને ખેડુતોનું હીત મહત્વનું છે.
અમૂલ ગૃપનાં કવોલીટી હેડ સમીર શકસેનાએ જણાવ્યું હતું કે આઈસ્ક્રીમમાં સુગર, ફેટ ભેળવવામાં આવે છે, જે ફેટ ઈ ૪૭૧ તે કેમીકલ ફોર્મ્યુલા છે, તે એનીમલ ફેટ અને સોયાબીન ફેટથી બનાવી શકાય છે, પરંતુ અમૂલ તદ્દન શાકાહારી સોયાબીન જે હલાલ છે, તે ઉપયોગમાં લેવામાં આવે છે, અમૂલમાં કયારેય પણ કોઈ પણ જાનવરની ફેટ વાપરવામાં આવતી નથી, તેમ જણાવ્યું હતું.ઁઁ