(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
મુસ્લિમ સાથે લગ્ન કરનાર તન્વી સેઠના પાસપોર્ટના મામલામાં વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી આંતરિક તપાસમાં જણાયું છે કે આંતરધર્મીય દંપતી – મોહમ્મદ અનસ સિદ્દીકી અને તન્વી સેઠને પાસપોર્ટ જારી કરવામાં નિયમ વિરૂદ્ધ કશું જ કરવામાં આવ્યું નથી અને દંપતી સાથે ખરાબ વર્તન અને તેમને પરેશાન કરનાર લખનઉના પાસપોર્ટ અધિકારી વિકાસ મિશ્રાએ તન્વી સેઠને તેમનું નામ બદલવા કે અનસને હિન્દુત્વ અપનાવવાનું કહીને ખરેખર તેમની ફરજની મર્યાદાનો ભંગ કર્યો છે. વિદેશ મંત્રાલયના હસ્તક્ષેપ બાદ ૨૧મી જૂને દંપનીને પાસપોર્ટ જારી કરાયો હતો. મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે વિકાસ મિશ્રાની ગોરખપુરમાં કરાયેલી ટ્રાન્સફર યથાવત રહેશે. વિકાસ મિશ્રાએ મુસ્લિમ સાથે લગ્ન કર્યા હોવાથી તન્વી સેઠને તેમનું નામ બદલવાનું કહ્યું હતું. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને તન્વીએ કરેલી ટિ્વટને પગલે તેમના મંત્રાલયે અધિકારી સામે પગલાં ભર્યા હતા અને પરિવારને પાસપોર્ટ જારી કર્યો હતો પરંતુ મંત્રાલના પગલાથી એક વર્ગ દ્વારા સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દેવામાં આવ્યો હતો. આ વર્ગે વિદેશ પ્રધાન સામે લઘુમતીઓના તુષ્ટિકરણનો આરોપ મુક્યો હતો. જોકે, સુષમા સ્વરાજે પણ વળતા પ્રહાર કર્યા હતા. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે તન્વી સેઠને પાસપોર્ટ જારી કરવામાં કોઇ નિયમ વિરૂદ્ધ કશું જ કરવામાં આવ્યું નથી. પાસપોર્ટ માટે મેરેજ સર્ટિફિકેટની જરૂર નથી. ક્રિમિનલ કેસ હોય કે વ્યક્તિ ભારતીય નાગરિક ન હોય તો જ વિપરીત પોલીસ રિપોર્ટ આપવામાં આવે છે. ઉત્તર પ્રદેશ સરકાર અને ભાજપે પાસપોર્ટ અધિકારીની તરફેણ કરી હતી. દંપતીના સરનામાનું ચકાસણી કરવા માટે પોલીસ તપાસ કરાઇ હતી અને પોલીસે વિપરીત રિપોર્ટ આપ્યો હતો પરંતુ વિદેશમંત્રાલયની આંતરિક તપાસમાં પોલીસ રિપોર્ટ ફગાવી દેવામાં આવ્યો છે.