(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૮
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે દ્વારકામાં કાર્યકરોને સંબોધતા વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન મોદી ગુજરાતમાં ૧૦ લાખ પેઈજ પ્રમુખોને સંબોધશે તેવી જાહેરાત કરી હતી. જયારે કોંગ્રેસને આડે હાથ લેવાની તક જતી ના કરતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ડૂબતી નાવ છે, અમારી પાસે નીતિ છે, નિયત છે માટે ર૦૧૭માં અમે જીતીશું. દિલ્હીમાં પણ કોંગ્રેસમાં વિવાદ ચાલે છે. આ સાથે તેમણે લાલુપ્રસાદ યાદવને કટાક્ષ કરતા કહ્યું હતું કે, આક્ષેપો કરવાને બદલે લાલુ યાદવ પોતાના કૌભાંડો ઉપર ધ્યાન આપે. વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ૧૦ લાખ પેઈજ પ્રમુખોને સંબોધન કરશે તેમ આજે દ્વારકામાં દર્શન કરવા આવેલા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું અને સાથે સાથે આગેવાનો કાર્યકરોને એક એવી માર્મિક ટકોર પણ કરી હતી કે, બારાતીઓ (સંગઠન) તૈયાર છે. દુલ્હો (ઉમેદવાર) નકકી કરવાનો બાકી છે જે આવે તેના માટે બધાએ કામે લાગી જવાનું છે. પટેલ સમાજ ખાતે દ્વારકા ભાજપના આગેવાનો કાર્યકરોને સંબોધીને મુખ્યમંત્રીએ ઉપરોકત વાત કરી હતી.
આ બેઠકમાં વિજય રૂપાણીએ દ્વારકા જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. દ્વારકા બેઠકોની વિગતો મેળવી હતી. દ્વારકાના પ્રાણ પ્રશ્નો શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો અને આ દરમ્યાન દ્વારકાના વર્ષો જૂના પાણી અંગેના પ્રશ્નોથી મુખ્યમંત્રીને વાકેફ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારી હોસ્પિટલની ખુટતી સુવિધાઓ તબીબોની અછત અંગે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને બેઠકમાં તેમણે પક્ષના આગેવાનોને કહ્યું હતું કે દ્વારકા શહેર જિલ્લાના તમામ પ્રાણ પ્રશ્નો જાણીને તેનો ઉકેલલાવવો જોઈએ. મીઠાપુર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યા બાદ દ્વારકા મંદિર બહાર જિલ્લા ભાજપ અને નગરપાલિકા દ્વારા તેમનું ભવ્ય સન્માન કરાયું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુદામા સેતુની પણ મુલાકાત લીધી હતી. અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે, ૭૦૦ કરોડના ખર્ચે ઓખા થી બેટ પુલનું નિર્માણ થવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકભાગીદારીથી નિર્માણ પામેલ સુદામા સેતુના કારણે પંચકૂઈ વિસ્તારનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થશે.