વીજ અને જળ વિભાગના કર્મીઓને સાતમા પગારપંચનો લાભ અપાશે

અમદાવાદ, તા.ર
આજે ગુજરાત સરકારે કેટલાક વિભાગો માટે ખૂબ મહત્ત્વના નિર્ણય લીધાં છે. ફિક્સ પગાર ધરાવતાં વિદ્યાસહાયકોના વેતનવધારો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને વીજ કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાના નિર્ણય જાહેર કરવામાં આવ્યાં છે. નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યું કે જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતાં ૨૧,૩૦૦થી વધુ વિદ્યાસહાયકોને અત્યારે ફિક્સ પગારના ધોરણે રૂા.૧૧,૫૦૦નો પગાર ચૂકવાય છે તેમાં વધારો કરી રૂ.૧૯,૯૫૦ નો પગાર ચૂકવાશે. આ વધારાથી રાજ્યની તિજોરી પર અંદાજે વાર્ષિક રૂા.૨૦૫.૦૦ કરોડનો બોજો પડશે. પગાર વધારાનો અમલ પહેલી ફેબ્રુઆરી ૨૦૧૭થી કરવામાં આવશે. નાયબ મુખ્યપ્રધાને કરેલી જાહેરાત મુજબ વીજ પુરવઠો પુરો પાડતી વીજ ઉત્પાદન કરતી વિવિધ કંપનીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને એન્જીનિયરોને સાતમાં પગારપંચનો લાભ આપવામાં આવશે. જેનો લાભ અંદાજે ૪૮,૦૦૦ કર્મચારીઓને મળશે. આ વધારાનો અમલ પહેલી ઓગસ્ટથી કરાશે અને સરકારી તિજોરી પર અંદાજે રૂા.૨૭૬ કરોડનો વધારાનો બોજો વીજ કંપનીઓને પડશે. તા.૦૧/૦૧/૨૦૧૬થી તા.૩૧/૦૭/૨૦૧૭ સુધીના પગાર તફાવતની રકમ અંગે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જે નિર્ણય લેવામાં આવશે તે મુજબ એરીયર્સ ચૂકવાશે. આ નિર્ણયનો લાભ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-જી.યુ.વી.એન.એલ. સંલગ્ન છ કંપનીઓના તમામ કર્મયોગીઓને મળશે. આ પ્રકારનો લાભ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ૨૩૫૯ કર્મચારીઓ અને જળસંપત્તિ વિકાસ નિગમના ૨૦૭૨ કર્મચારીઓ મળી કુલ-૪૪૩૧ કર્મચારીઓને પણ અપાયો છે. જેનાથી રૂા.૨૭.૧૮ કરોડનો વાર્ષિક ભારણ વધશે. સાતમા પગાર પંચનો વધારાનો અમલ તા.૦૧/૦૮/૨૦૧૭થી કરવામાં આવશે અને તા.૦૧/૦૧/૨૦૧૬થી તા.૩૧/૦૭/૨૦૧૭ સુધીના પગાર તફાવતની રકમ અંગે કર્મચારીઓ માટે જે નિર્ણય લેવામાં આવશે તે મુજબ એરીયર્સ ચૂકવાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts