વીજ-પાણી-અન્ન-વાહન વ્યવહાર પૂર્વવત કરવા તંત્રની કવાયત : સમીક્ષાઓનો દોર

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૬
રાજ્યમાં વરસાદે સર્જેલી તારાજી સામે બચાવ અને રાહતની કામગીરીમાં વહીવટી તંત્ર એલર્ટ બની કામે લાગ્યું છે. એનડીઆરએફ, એસડીઆરઈ તથા હવાઈ દળની મદદ સાથે તંત્ર દ્વારા ઝડપી કામગીરીના પ્રયાસો કરાઈ રહ્યા છે. બનાસકાંઠામાં જ ૧૧ના મોત થયા છે તો બે દિવસમાં દોઢ હજારથી વધુને બચાવી લેવામાં આવ્યા છે. રાજ્યમાં હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. જે માટે ૧૧ જેટલા હેલિકોપ્ટર્સની મદદ લેવામાં આવી છે. રાજ્યમાં વીજળી, માર્ગ વાહન વ્યવહાર, પાણી-પુરવઠો, આરોગ્ય, અન્ન પુરવઠો વગેરે પૂર્વવત કરવા તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. રાજ્યના મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગાંધીનગરમાં રાજ્યના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદનું જોર યથાવત રહ્યું હતું. આવી પરિસ્થિતિમાં પણ વહીવટી તંત્રે બચાવ અને રાહત કામગીરી અસરકારક રીતે હાથ ધરતા વાયુસેનાના હેલિકોપ્ટર્સ દ્વારા ગઈકાલે એક દિવસમાં કાંકરેજ તાલુકાના ટોટાણા ગામેથી ૧૧૪ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આજે સવારથી હેલિકોપ્ટર્સ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. એનડીઆરએફની ટીમોએ બનાસકાંઠાના કાંકરેજ અને પાટણના હારીજ તાલુકાઓમાં ૪પ૦ જેટલા લોકોને બચાવી લીધા હતા જ્યારે લશ્કર, એસઆરપી, સ્થાનિક વહીવટી તંત્ર, બીએસએફ જેવી અલગ અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા પ૮૦ જેટલા લોકોને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા સલામત સ્થળે લઈ જવા સાથે કુલ ૧,૧૪૪ જેટલા લોકોને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા બચાવી શકાયા છે. રાજસ્થાન અને ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણીની આવક વધતાં દશક્રોઈ, બાવળા, માંડલ, વેજલપુર, ધંધૂકા, ધોળકા, સાણંદમાં પણ વહીવટી તંત્ર દ્વારા આગોતરા સલામતીના પગલાં તરીકે સ્થળાંતર કરાવાયું હતું. અમદાવાદ જિલ્લાના ૬,૦૧૯ જેટલા લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે સ્થળાંતરીત કરાયા છે. જ્યારે અરવલ્લીમાં ર,૦પપ, ખેડામાં ૩ર૧ અને સાબરકાંઠા જિલ્લામાં ૭ર૯ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. છેલ્લા ર૪ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ૧૧ માનવ મૃત્યુ નોંધાયા છે. જ્યારે ગઈકાલે ૮૯ જેટલા પશુઓના મોત થયા છે. મહેસૂલ મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં મૃત પશુઓના નિકાલ માટે ઝડપી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવાની તાકીદ કરી હતી આ માટે પશુપાલન વિભાગની ૭પ જેટલી ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તહેનાત કરાઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks