
અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે માલમિલકતને ભારે નુકસાન પહોંચ્યું હતું. રાત્રિના સુમારે વરસતા વરસાદ વચ્ચે વીજળીના કડાકા ભડાકાના અવાજો થતાં હતા તે દરમિયાન એક ગગનભેદી ધડાકો થયો હતો. તે જ વખતે અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક સરખેજ રોજા તરીકે ઓળખાતી હઝરત શેખ અહમદખટ્ટુ ગંજબક્ષ (રહમતુલ્લાહ અલયહે)ના દરગાહના ગુંબજના અંદરના ભાગે ઝુલતું ર૦૦ કિલો વજનનું ઝુમ્મર ધડાકાભેર તૂટી પડ્યું હતું. ૧૦ કિલોની સાંકળમાં લટકાવેલું આ ઝુમ્મર તૂટીને મઝાર શરીફ ઉપર બાંધવામાં આવેલા લાકડાની છત્રી ઉપર પડ્યું હતું અને છત્રી તોડી ઝુમ્મર તુર્બત ઉપર પડ્યું હતું પરંતુ નસીબજોગે તુર્બતને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. આ અંગેની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો જોવા ઊમટી પડ્યા હતા અને બુઝુર્ગોએ આ શહેર પર આવનારી આફત પોતાના પર ઝીલી લીધી એવો વિશ્વાસ વ્યક્ત કરતા હતા.