અમદાવાદ,તા.૧૮
ગુજરાતમાં આતંકી હુમલો થવાના આઈબીના ઈનપુટના આધારે રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ડીજીપી, આઈબીના ડીજી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં એલર્ટ આપી દેવાયું છે. ત્યારે ગુજરાતમાં આતંકી હુમલો કરવા આતંકી સંગઠનના સુસાઈડ બોમ્બર ગુજરાતમાં ઘુસ્યા હોવાના ઈનપુટ મળતા ગુજરાતમાં હાઈએલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઈનપુટ મુજબ ગુજરાતમાં ઘુસેલા હુમલાખોરો સ્ટેચ્યુ ઓફ યુનિટી, યાત્રાધામો અને જાહેર સ્થળોને ટાર્ગેટ કરી શકે છે. ત્યારે ગુજરાતની સુરક્ષાને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહવિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આઈબીના ડીજી રાજ્યના ડીજીપી, રીટાયર્ડ એર માર્શલ અને એટીએસના ચીફ સહિતના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. તદઉપરાંત આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ સામેલ હતા. આઈબીના ઈનપુટને પગલે રાજ્યના રેલવે સ્ટેશનો, એરપોર્ટ, એસ.ટી. બસ સ્ટેશન, સિનેમાઘરો જેવા જાહેર સ્થળોએ સઘન ચેકિંગ હાથધરી રાજ્યભરમાં સુરક્ષા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તદઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમની સુરક્ષામાં પણ વધારો કરી દેવાયો છે. તેમજ સોમવારે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હતું. ત્યારે સ્થાનિક કર્મચારીના પણ આઈ કાર્ડ ચેક કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આમ ગુજરાતમાં હાઈએલર્ટને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
હુમલાનો ખતરો વધ્યો…
ગુજરાતમાં આતંકવાદી હુમલાને લઈને એલર્ટ બાદ સાવચેતીના પગલાં લેવાયા
પુલવામામાં હુમલા બાદ ગુજરાતમાં પણ આત્મઘાતી હુમલો થઈ શકે તેવા ઈન્ટેલિજન્સ રિપોર્ટ બાદ હાઈ એલર્ટની જાહેરાત
મલ્ટીપ્લેક્સ, રેલેવ સ્ટેશન, ધાર્મિક સ્થળો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરક્ષા વધારવામાં આવી
પેટ્રોલિંગ અને કોમ્બીંગની પ્રક્રિયા તીવ્ર કરાઈ
પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી વધારાવામાં આવી
રેલવે સ્ટેશન ઉપર પણ સુરક્ષા મજબુત કરવામાં આવી