વિશ્વમાં માનવ-નિર્માણનું સૌથી કઠિન છતાં જરૂરી કાર્ય ગુરૂજનો જ કરી શકે

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.પ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ‘શિક્ષક દિને’ રાજ્યભરના ૩૬ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરતા જણાવ્યું હતું કે, ગુરૂજનો સંસ્કારવાન પેઢી નિર્માણનું કાર્ય કરે છે જેનાથી મહાન રાષ્ટ્રનું નિર્માણ થાય છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિક્ષકોને બિરદાવતાં શિક્ષક સમુદાયને સમાજ ક્રાંતિના સંવાહક ગણાવી ઉમેર્યું હતું કે, નયા ભારતના નિર્માણમાં ગુજરાત શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થાથી લીડ લેવા પ્રતિબદ્ધ છે.
રાજ્યપાલે જણાવ્યું હતું કે, દુનિયામાં માનવ નિર્માણનું કાર્ય સૌથી કઠિન છે, છતાં સૌથી જરૂરી છે. આ કાર્ય ગુરૂજનો જ કરી શકે છે અને તે ગુરૂકુળ-શાળાઓમાં થાય છે. રાજ્યપાલે ગુરૂજનોની સંસ્કાર સજ્જતા ઉપર ભાર મૂકતા કહ્યું કે,
માતા-પિતાએ પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ગુરૂજનો ઉપર વિશ્વાસ મૂકી તેમના સંતાનોને સોંપ્યા છે, ત્યારે ગુરૂજનોની સવિશેષ જવાબદારી છે. આ કારણે જ ગુરૂજનોએ શિષ્યના નિર્માણની માત્ર ચિંતા જ નહીં; જવાબદારી પણ નિભાવવા સજ્જ બનવાનું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ વ્યવસ્થામાં, શિક્ષણ વિભાગની કાર્યપદ્ધતિમાં વફાદારી, ઇમાનદારી અને પ્રામાણિકતાથી વ્યવસ્થામાં બદલાવ લાવવા વિશ્વાસનું વાતાવરણ બનાવવાનો સૌ સાથે મળીને સંકલ્પ કરીયે. તેમણે વ્યથા નહીં, વ્યવસ્થાનો કાર્યમંત્ર આપતાં સ્પષ્ટપણે ઉમેર્યું કે, શિક્ષકોના પ્રશ્નોને પ્રાયોરિટી આપી શિક્ષક અનૂકુળ વાતાવરણ માટે સરકાર પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હવે શાળા દીઠ ૧ ટેબ્લેટના માધ્યમથી શિક્ષકોની બાયોમેટ્રિક એટેન્ડસ લેવાનું પણ નક્કી કર્યું છે. સમાજ માટે સમયદાન આપીને કર્તવ્યરત રહેતો શિક્ષક પરિવાર ભાવિ પેઢીના ઘડતર તેમજ રાષ્ટ્રનિર્માણ અને ચારિત્ર્ય નિર્માણનો નિર્માતા છે. તેમણે રાજ્ય સરકારના વિભાગોમાં પણ હાજરીની નિયમિતતા માટે આવનારા દિવસોમાં બધા વિભાગોમાં બાયોમેટ્રિક એટેન્ડસ સિસ્ટમ શરૂ કરવાનો સંકેત પણ આ તકે આપ્યો હતો.
શિક્ષણના વ્યવસાયને નોબેલ પ્રોફેશન ગણાવતાં મુખ્યમંત્રીએ શિક્ષકને સંસ્કાર ઘડતર કરનારી ‘મા’ની ઉપમાથી નવાજ્યા હતા.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નામ ૨૭ વખત નૉબલ પ્રાઇઝ માટે નોમિનેટ કરાયું હતું. જે એક શિક્ષક માટે ગૌરવશાળી બાબત ગણી શકાય.
તેમણે કહ્યું કે, શિક્ષકે શિસ્ત, પ્રામાણિકતા, સમયબદ્ધતા, નિયમિત હાજરી જેવા ગુણો આત્મસાત કરવા ખૂબ જ જરૂરી છે. આપણે સૌએ નેશનલ કૅરેકટર તૈયાર કરવાના છે. ભવિષ્યના ઘડતરની જવાબદારી શિક્ષક પાસે છે. આપણા કેન્દ્રમાં હંમેશા બાળક હોવું જોઇએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks