(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩૦
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈઝરાયેલ પ્રવાસના ચોથા દિવસે પ્રખ્યાત શહેર જેરૂસલામ પહોંચ્યા હતા જ્યાં તેમણે ૮૦૦ વર્ષ કરતા વધુ સમયથી ભારતીયો માટે વિસામો-વિરામ સ્થાન એવા ઐતિહાસિક ઈન્ડિયન હોસ્પિસની મુલાકાત લઈ ૧રમી સદીમાં પવિત્ર સાધના કરનારા ભારતીય સૂફીસંત બાબાફરીદને આદરાંજલિ અર્પણ કરી હતી. તેમણે ઈન્ડિયન હોસ્પિસને માદરે વતને અનુભૂતિ કરાવતું વિશ્રામધામ ગણાવ્યું હતું.
અહીં એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ઈન્ડિયન હોસ્પિસનો ઈતિહાસ ૮૦૦ વર્ષ કરતા પણ વધુ સમયનો છે. ઈ.સ. ૧ર૦૦થી ૧૩૦૦ના સમયમાં ચિશ્તી પરંપરાના સૂફીસંત બાબા ફરીદે જેરૂસલામની પવિત્ર અક્સા મસ્જિદમાં ૪૦ દિવસની ઉપવાસ સેવા સાધના કરી હતી. ત્યારબાદથી જેરૂસલેમ થઈને મક્કા જતા ભારતીય શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધવાથી બાબા ફરીદની યાદરૂપે આ યાદગાર સ્થળ, ઈન્ડિયન હોસ્પિસ અસ્તિત્વમાં આવ્યું. ઈ.સ.૧૯૨૪માં આ ઈન્ડિયન હોસ્પિસનું સંચાલન જાળવણી ભારતના ઉત્તરપ્રદેશના સરહાનપૂરના અંસારી પરિવાર દ્વારા કરવામાં આવે છે. હાલ આ સંચાલન મોહમ્મદ મૂનિર નાઝીર અંસારી અને તેમના પત્ની કરી રહ્યા છે. તેમના દાદા-પરદાદા શૌકત અને મુહમદ અલી ભારતમાં ગાંધીજીની અસહકાર ચળવળ સાથે શરૂ થયેલા ખિલાફત આંદોલનના પ્રણેતા હતા. મુખ્યમંત્રીએ ગુજરાત ડેલિગેશન સાથે આ ઈન્ડિયન હોસ્પિસની મુલાકાત લેતા જેરૂસલામની ભૂમિ પર પાછલા અનેક દશકોથી ભારતીય સંસ્કાર, સાંસ્કૃતિક વિરાસત અને સ્થાપત્યની પેઢી દર પેઢીથી સુપેરે સાચવણી અન્સારી પરિવારે કરી છે તે માટે અભિનંદન આપ્યા હતા. તેમણે વિશ્વના કોઈ પણ ખૂણે વસતો ભારતીય પોતાની વતન ભૂમિના મૂલ્યો જાળવી રાખીને તે પ્રદેશના વિકાસ સાથે સકારાત્મકતાથી તાદાત્મય સાધી લે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ અન્સારી પરિવારે પૂરૂ પાડ્યું છે એમ પણ જણાવ્યું હતું.