વિકાસ ગાંડો નથી થયો, કોંગ્રેસના લોકો ગાંડા થયા છે : વિજય રૂપાણી

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રપ
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે અને તેમણે આજે રોડ શો યોજી, જાહેરસભા સંબોધી હતી અને તેમાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા ગુજરાત ભાજપના મોવડીઓએ તેના વળતા જવાબમાં કોંગ્રેસ તથા રાહુલ ગાંધી સામે પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ “વિકાસ ગાંડો થયો છે”ના જવાબમાં કહ્યું હતું કે વિકાસ ગાંડો નથી થયો. કોંગ્રેસના લોકો ગાંડા થયા છે અને કોંગ્રેસના લોકો રઘવાયા થયા છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપ સરકારે રાજ્યની જનતા માટે ઘણું બધું કર્યું છે. ખોટા આક્ષેપો કરવા બદલ રાહુલ ગાંધી પ્રજાની માફી માગે.
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને રાજ્યનું રાજકારણ બરોબરનું ગરમાયું છે. દ્વારકાથી શરૂ થયેલ રાહુલ ગાંધીની રેલી તથા રોડ શોને માર્ગમાં પ્રજાનો પ્રતિસાદ સાંપડતા અને તે બાદ યોજાયેલી જાહેરસભામાં રાહુલ ગાંધીએ ભાજપની સરકાર અને તેના વિકાસને લઈને આકરા પ્રહારો કરતાં ગુજરાત ભાજપના અગ્રણીઓ તેના કાઉન્ટર એટેક માટે લાગી પડ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા વગરેએ વળતા જવાબમાં આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ વળતા જવાબમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વમાં આત્મવિશ્વાસ નથી. આગામી ચૂંટણીનો ભાજપનો એજન્ડા વિકાસનો જ છે. તેમ જણાવતા તેમણે કોંગ્રેસને પડકાર ફેંકતા કહ્યું હતું કે કોંગ્રેસ કહે તે રાજ્યમાં વિકાસ વિશે પોતે ચર્ચા કરવા તૈયાર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાહુલ જ્યાં પ્રચાર કરવા જાય છે. ત્યાં કોંગ્રેસની હાર થાય છે. એટલે ભાજપને જ તેનો ફાયદો છે. રાહુલ ગાંધીએ નવસર્જન યાત્રામાં ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વળતો હુમલો કર્યો છે. નીતિન પટેલે પલટવાર કરતાં કહ્યું છે કે ભાજપ સરકારે રાજ્યની જનતા માટે ઘણું બધું કર્યું છે. જેને લોકો સારી પેટે જાણે છે. ખોટા આક્ષેપો કરવા બદલ રાહુલ ગાંધીએ રાજ્યની જનતાની માફી માગવી જોઈએ. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ગુજરાતના પ્રવાસને નાટકીય અને હાસ્યાસ્પદ ગણાવી જણાવ્યું હતું કે તેઓ જ્યાં જાય છે ત્યાં કોંગ્રેસ હારે છે. તેઓ ગુજરાતની મુલાકાત વખતે ગુજરાતના હિતની નહીં પરંતુ વેરઝેરની રાજનીતિ કરે છે. નર્મદા યોજનાનો કોંગ્રેસ વિરોધ કેમ કરે છે ? ડેમનું કામ મોડું કેમ કરાવેલ ? વગેરેનો જવાબ આપી જનતાની માફી માગે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks