(એજન્સી) નવી દિલ્હી, તા.ર
ચાલુ વર્ષના અંત ભાગમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવાનું છે, પરંતુ ચૂંટણીના ગણતરીના મહિનાઓ પહેલા સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટીની આલોચનાઓના પૂરથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચિંતામાં મૂકાયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમિત શાહને કેટલાક સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ‘વિકાસ ગાંડો થયો છે’ની ચિંતા થઈ રહી છે. કોંગ્રેસી નેતા સોશિયલ મીડિયા પર આ સંદેશનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. તાજેતરમાં જ અમિત શાહે ગુજરાતના યુવાનોને સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા ‘ભાજપ વિરોધી દુષ્પ્રચાર’ માટે ચેતવ્યા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમિત શાહે તે નિવેદન કોંગ્રેસના પ્રચારથી ભયભીત થઈને આપ્યું હતું.
ગુજરાતના કોંગ્રેસી નેતા તૂટેલી સડકો, પુલો અને અધૂરા નિર્માણ કાર્યોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રમુખ દિવ્ય સ્પંદને જણાવ્યું કે, અમારી પાસે ભાજપ જેટલી તાકાત અને પૈસા નથી અને અમે મોડી શરૂઆત કરી હતી પરંતુ હવે અમારી પાસે સોશિયલ મીડિયા ટીમ છે. જેમાં ૮પ ટકા મહિલાઓ છે, જે ર૪ કલાક ડિજિટલ વર્લ્ડમાં કામ કરે છેે. રિપોર્ટ અનુસાર કોંગ્રેસના સોશિયલ મીડિયા અભિયાનની અસર પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકપ્રિયતા પર પડી છે. રિપોર્ટ અનુસાર જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે રાહુલ ગાંધીને આશરે ૧૦ લાખ નવા લોકોએ ટ્વીટર પર લાઈક કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જુલાઈ ર૦૧પ બાદ રાહુલને સૌથી ઝડપથી મળેલી લાઈક છેે. રાહુલ વર્ષ ર૦૦૯થી ટ્વીટર પર સક્રિય છે. રાહુલે ટ્વીટર પર ૩પ લાખથી વધુ ફોલોઅર્સ છે.
રાહુલ ગાંધી ટ્વીટર પર ભાજપ પીએમ નરેન્દ્ર મોદી અને તેના કેબિનેટના નેતાઓ પર પ્રહાર કરવાનું ચૂકતા નથી. તાજેતરમાં જ્યારે વરિષ્ઠ ભાજપ નેતા યશવંત સિંહાએ દેશની હાલની અર્થવ્યવસ્થા અને નાણામંત્રી અરૂણ જેટલીની આલોચના કરતાં અંગ્રેજી અખબારમાં લેખ લખ્યો તો રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર શેર કરતાં તેનો ઘણો પ્રચાર થયો હતો.