જાકાર્તા, તા. ર૭
ભારતના બોકસર વિકાસ કુષ્ણને ૧૮ની એશિયન ગેમ્સના નવમાં દિવસે ૭પ કિલોગ્રામ વર્ગના મુકાબલામાં જીત મેળવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. વિકાસે અંતિમ-૧૬ની મેચમાં પાકિસ્તાનના તનવીર એહમદને એકતરફી મુકાબલામાં પ-૦થી હરાવ્યો. ગત એશિયન ગેમ્સમાં કાંસ્યચંદ્રક જીતનાર વિકાસે મુકાબલામાં પહેલાથી જ વર્ચસ્વ જમાવ્યું હતું અને આને કારણે બધા જજોએ નિર્ણય વિકાસના પક્ષમાં આપ્યો.
ર૦૧૦ એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીતનાર વિકાસ પ્રથમ રાઉન્ડમાં જ કાઉન્ટર એટેકની નીતિ પર રમી રહ્યો હતો જ્યારે પાકિસ્તાની બોક્સરે શરૂઆતની થોડી ક્ષણોમાં ધૈર્ય બતાવ્યું પણ અચાનક તે દબાણમાં રમવા લાગ્યો જેના કારણે વિકાસને તક મળી અને તેણે સટીક પંચોથી પોઈન્ટ પ્રાપ્ત કર્યા. બીજા રાઉન્ડમાં પણ વિકાસ ધૈર્ય સાથે રમ્યો. વિકાસે શાનદાર ફૂટવર્કથી ડિફેન્સ કર્યુ તથા તક મળતાં જ પોઈન્ટ મેળવ્યા. ત્રીજા રાઉન્ડમાં તનવીર ગભરાયેલો હતો અને આ કારણે સરળતાથી પોઈન્ટ આપી બેઠો. આ પહેલા પણ વિકાસે સૈફ રમતોની ફાઈનલમાં તનવીરને હરાવ્યો હતો.