Ahmedabad

કોંગ્રેસ અને તેના સાથી ગઠબંધન પક્ષો ભારતની વિકાસ યાત્રામાં રોડા નાખે છે

અમદાવાદ, તા. ૧૧
ગુજરાત યુનિવર્સીટી કન્વેન્શન હોલ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં ૧૧ સપ્ટેમ્બર દિગ્વિજય દિન નિમિતે એકદિવસીય પ્રદેશ અધિવેશન યોજાયુ હતુ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા આયોજિત ‘‘દિગ્વીજય દિવસ’’ કાર્યક્રમમાં વિપક્ષ કોંગ્રેસને દેશની પ્રગતિના અવરોધક ગણાવી તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરૂ બનવા સંકલ્પબધ્ધ છે ત્યારે વિપક્ષ કોંગ્રેસ અને તેના સાથી ગઠબંધનના પક્ષો આ વિકાસયાત્રામાં રોડા નાખે છે. વિપક્ષની આ વિકાસ વિરોધી માનસિકતાનો દેશની જનતા ર૦૧૯ની ચૂંટણીઓમાં જવાબ આપશે દિગ્વીજય દિવસ જેવા કાર્યક્રમોથી રાષ્ટ્રની યુવાશકિતમાં ચેતનાનો સંચાર થવાનો છે તારીખ ૧૧ સપ્ટેમ્બરે શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદના વિશ્વખ્યાત પ્રવચનનો ઐતિહાસિક દિવસ તરીકે ઉજવાય છે તેની વિશેષ નોંધ લેતા યુવાશકિતને સ્વામી વિવેકાનંદના માર્ગે ચાલી નયા ભારત નિર્માણનું આહ્વાન કર્યુ હતું. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અધિવેશનને સંબોધતા કહ્યું હતું કે, આજના શુભદિવસે જુઠ્ઠાણાં ફેલાવનાર કોંગ્રેસ અને તેના મુરતીયાઓને ખુલ્લા પાડી સ્વામી વિવેકાનંદજીના સપનાનું ભારત બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૨૦૧૯માં ફરી વડાપ્રધાનના પદ ઉપર યથાવત રાખવા માટે કમર કસીએ. લોકશાહીની વાતો કરનાર કોંગ્રેસ ભૂલી ગઈ છે કે, કટોકટી કોના કાર્યકાળમાં લદાઈ હતી ? નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે યુવાનો માટે રાજય સરકારની નીતિ વિષય પર વાત કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી સ્વાવલંબી યોજના થકી ઘણા યુવાનોને લાભ મળી રહ્યો છે. જેમ ‘‘અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરો’’ની નીતિ અપનાવી હતી તે જ નીતિ પર આજે કોંગ્રેસ અપનાવી રહી છે. કોંગ્રેસએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ક્યાંય પણ બિનઅનામત વર્ગના લોકો માટે કોઈ યોજના બનાવી હોય તો બતાવે.

ભાજપ યુવા મોરચાના કાર્યકરો પાટીદારોના મુદ્દા પર બાખડ્યા

ભાજપ યુવા મોરચા દ્વારા આજે અમદાવાદ ખાતે યોજાયેલા દિગ્વિજય દિવસ સમારોહમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરો વચ્ચે પાટીદારોના મુદ્દે છુટ્ટા હાથની મારામારી થઇ હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત લાડુ પુરીના જમણ દરમિયાન પણ ઓવર ક્રાઉડ થઈ જતા થાળીઓ ઉડી હતી. ભાજપ યુવા મોરચા દ્વારા આજે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે વિવેકાનંદ જયંતી નિમિત્તે દિગ્વિજય દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચાનું એક અધિવેશન રાખવામાં આવ્યું હતું. અધિવેશનમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત પ્રદેશના નેતાઓ અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે બપોરે યોજાયેલા આ અધિવેશનમાં સૌપ્રથમ ગુજરાત બહારથી આવેલા યુવા મોરચાના કાર્યકરો માટે લાડુ પુરીનું જમણ રાખવામાં આવ્યું હતું. આ જમણવાર દરમિયાન કાર્યકરોનો ધસારો થઈ જતા થાળીઓ ઉડી હતી. એટલું જ નહીં કાર્યક્રમ શરૂ થાય તે પહેલા અમદાવાદ અને સુરતના કેટલાક કાર્યકરો વચ્ચે પાટીદારોના મુદ્દે શરૂ થયેલી ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા છુટ્ટા હાથની મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો.