હૈદરાબાદમાં લેન્ડિંગ કરતી વખતે જઝીરાના વિમાનમાં આગ લાગી, બધા યાત્રીઓને બહાર કઢાયા

(એજન્સી) હૈદરાબાદ,તા. ૨
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બુધવારે એક મોટી દુર્ઘટના સર્જાતી ટળી ગઇ. કુવૈતથી આવેલા જઝીરા એરવેઝના વિમાનના એન્જિનમાં લેન્ડીંગ વખતે આગ લાગી ગઇ પરંતુ વિમાનમાંના બધા ૧૪૫ યાત્રીઓને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને એન્જિનમાં ફાટી નીકળેલી આગ પણ ઓલવી નાખવામાં આવી હતી. ફ્લાઇટને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. એરપોર્ટના પ્રવક્તાના જણાવ્યા મુજબ કુવૈતથી હૈદરાબાદ આવેલી જઝીરા એરવેઝની ફ્લાઇટ જે૯ ૬૦૮ના એન્જિનની જમણી બાજુએ લેન્ડીંગ કરતી વખતે રાત્રે ૧-૦૩ વાગે સ્પાર્ક થયો હતો. પ્રવક્તાએ જણાવ્યું કે આ સ્પાર્કે ઝડપથી એન્જિનમાં આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને વિમાન તાકીદે રોકી દેવામાં આવ્યું હતું. જીએમઆર એરપોર્ટ પ્રોટોકોલ મુજબ ઓથોરિટી તરફથી ફાયર ટેન્ડર એરક્રાફ્ટને તાકીદે બોલાવી લેવામાં આવ્યું હતું પરંતુ ત્યાં સુધીમાં તો વિમાનના પાઇલટ દ્વારા એન્જિન ઓચિંતા બંધ કરવાને કારણે આગ પર આપમેળે કાબૂ મેળવી લેવાયો હતો. પ્રવક્તાએ એવું પણ જણાવ્યું કે આ ઘટનામાં કોઇ પણ પ્રકારની ખુવારી સર્જાઇ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks