(એજન્સી) મુંબઈ, તા. ૧૪
ભંડૂપ પેટાચૂંટણીમાં જીત બાદ ભાજપ પર નિશાન સાધતાં શિવસેનાએ આજે કહ્યું કે વિપક્ષોનો અવાજ દબાવવા માટે તાકાત અને નાણાનો ઉપયોગ કરવામાં આળી રહ્યો છે અને ભ્રષ્ટ સાધનો દ્વારા ચૂંટણીઓ જીતવામાં આવી રહી છે. સેનાએ કહ્યું કે દેશમાં આજે એક એવો માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે જ્યાં વિપક્ષોનો અવાજને રૂંધવામાં આવી રહ્યો છે. ચૂંટણી જીતવા માટે શક્ય હોય તેટલા ભ્રષ્ટ માર્ગોનો સહારો લેવામાં આવી રહ્યો છે. શિવસેનાના મુખપત્ર સામનાના એડિટોરીયલ લેખ અનુસાર, વિપક્ષોનો અવાજ દબાવવા માટે તાકાત અને નાણાનો ઉપયોગ થઈ રહ્યો છે. દેશ, લોકશાહી અને આઝાદી માટે આવા પ્રકારનો માહોલ ખતરનાક છે. નાંદેદ-વઘાલા મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાચૂંટણીમાં શિવસેનાએ એવો દાવો કર્યો હતો કે ભાજપે કોંગ્રેસ અને શિવસેનાના કોર્પોરેટરોને ખરીદ્યાં હતા. સેનાએ કહ્યું કે બીજી પાર્ટીઓમાંથી નેતાઓને લેવા માટે તાકાત અને પૈસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેમની ચૂંટણીમાં ઉભા રાખવામાં આવી રહ્યાં છે. ભાજપ પર નિશાન સાધતાં શિવસેનાએ કહ્યું કે એક સિદ્ધાંતો ધરાવતી અને વિદ્વાનો તથા બોદ્ધિકોથી ભરેલી પાર્ટી ચૂંટણી જીતવા માટે ઉમેદવારો ભાડે લઈ રહી છે. ચીની કંપની સરદાર પટેલની પ્રતિમા બનાવી રહી છે. અયોધ્યામાં રામ મંદિરને બદલે ભગવાન રામની પ્રતિમા સરયુ નદીના કિનારે બાંધવામાં આવી રહી છે તે જ પ્રમાણે બીજી પાર્ટીઓના લોકોને પણ સામેલ કરવામાં આવી રહ્યાં છે અને ઉજવણીઓ કરવામાં આવી રહી છે. રાજકીય હરીફોનો કાંટો કાઢવા માટે બીજી પાર્ટીઓના લોકોને ખરીદવાનું પગલું ચતુરાઈભરેલું છે પરંતુ ભંડૂપ પેટાચૂંટણીમાં જેમનો વિજય થયો છે તેમણે ધ્યાન રાખવુ જોઈએ કે તે બેનામી સંપત્તિની જેમ વ્યાજ સહિત પાછું આવશે.