(એજન્સી) પટણા, તા. ૯
ભ્રષ્ટાચારના આરોપસર લાલુ પરિવારની ઘેર અને સંપત્તિ પર સીબીઆઈ દરોડા બાદ લાલુપ્રસાદ યાદવ પટણામાં સોમવારે તેમની પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી રહ્યાં છે અને તેમાં આગામી રણનીતિની રૂપરેખા ઘડવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું. આરજેડી ધારાસભ્યો એ વાત જાણવા અતિ આતુર છે કે શા માટે નીતિશ કુમાર કે તેમની પાર્ટી જેડીયુ દ્વારા દિલાસાનો એક શબ્દ પણ પાઠવવામાં આવ્યો નથી. ધારાસભ્યો એ વાતનો ખાસ ઉલ્લેખ કર્યો કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી જેવા નેતાઓએ લાલુપ્રસાદને ફોન કરીને દિલાસો પાઠવ્યો હતો. પરંતુ ગઠબંધનના સાથીદાર અને મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક હરફ પણ ઉચ્ચારવામાં આવ્યો નથી. શુક્રવારે પટણાથી નવી દિલ્હી રવાના થયેલા નીતિશ કુમારના હેતુપૂર્વકના મોનને તેમની અને લાલુ વચ્ચેના મતભેદો તરીકે જોવામાં આવી રહી છે. નીતિશ સરકારમાં તેજસ્વી યાદવ ઉપમુખ્યમંત્રી છે. મુખ્યમંત્રી નજીકના સૂત્રોએ એવું કહ્યું કે તેજસ્વીને રાહત થાય તેવા એક પગલામાં નીતિશ કુમાર એવું માની રહ્યાં છે કે તેજસ્વીને હોદ્દા પરથી દૂર કરવાની જરૂર નથી. ૭૦ વર્ષીય લાલુએ પુત્ર તેજસ્વી યાદવની તરફેણમાં બોલતાં એવું કહ્યું કે સીબીઆઈ દ્વારા જે કથિત ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી હતી ત્યારે તેજસ્વીની ઉંમર ૧૮ વર્ષ કરતાં ઓછી હોવાને કારણે તેમની સામેનો કેસને રદ કરી નાખવો જોઈએ.