(એજન્સી) તા.૧૪
વરિષ્ઠ કોંગ્રેસી નેતા એમ.વીરપ્પા મોઈલીએ ગુરૂવારે કહ્યું હતું કે તેમની પાર્ટી ઈચ્છતી નથી કે સપા-બસપા રાલોદનું ગઠબંધન ઉત્તરપ્રદેશમાં હારી જાય અને આ માટે તે એવા કેટલાક વિસ્તારો કે જ્યાં ગઠબંધન મજબૂત નથી ત્યાં સમજૂતી કરી શકે છે. તેમણે કહ્યું હતું કે યુપીમાં સપા-બસપા દ્વારા કોંગ્રેસને ફકત બે બેઠકોની ઓફર કરવામાં આવી હોવાથી પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. મોઈલીએ ટેલિફોનિક ઈન્ટરવ્યુમાં અગ્રણી ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે કોંગ્રેસ જેવી રાષ્ટ્રીય પાર્ટી આ સ્વીકારી ન શકે. આથી જ અમે ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી લીધી. તેમણે કહ્યું હતું કે ઉમેદવારો જાહેર કરતી વખતે ગઠબંધન વગર પણ બેઠકો વિશે સમજૂતી થઈ શકે છે. ભવિષ્યમાં તમે ટ્રેન્ડ જોશો. જ્યાં કોંગ્રેસને રસ છે ત્યાં સપા-બસપા પણ ભાજપને હરાવવામાં રસ ધરાવે છે. આ પ્રકારની સમજૂતી હોઈ શકે છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અમે નથી ઈચ્છતા કે અમારા ગઠબંધન (સપા-બસપા-રાલોદ)ના લોકો હારે. કોંગ્રેસ, સપા અને બસપા વચ્ચે આ પ્રકારની સમજૂતી થઈ શકે છે. જયારે વિરપ્પા મોઈલીને પ્રશ્ન કરવામાં આવ્યો કે ઉત્તરપ્રદેશમાં જ્યાં કોંગ્રેસ મજબૂત નથી ત્યાં તેં સપા-બસપા-રાલોદના ગઠબંધનને સમર્થન આપશે. ત્યારે તેમણે કહ્યું હતું કે હા આ પ્રકારની સમજૂતી ચૂંટણી દરમ્યાન થઈ શકે છે. મોઈલીએ કહ્યું હતું કે બધી વિપક્ષી પાર્ટીઓ ભાજપ સામે એકજૂટ થઈને ઊભી છે.