(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. ખાતે માલધારી સમાજના વિદ્યાર્થી અને સિન્ડીકેટ સભ્ય તથા કોર્પોરેટર ભાવેશ રબારીનો કાનૂની વિદ્યાશાખામાં પીએચડી પ્રવેશ રદ કરવામાં આવતા આજે માલધારી સમાજના આગેવાનો ભેગા થઈ કુલપતિને સમગ્ર રજૂઆત કરી પ્રવેશ અપાવવા માંગ કરી હતી.
સુરત શહેર માલધારી સમાજ દ્વારા આજે યુનિવર્સિટી ખાતે કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તા સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. માલધારી સમાજના ભાવેશ રબારી કાનૂની વિદ્યાશાખામાં છેલ્લા ૬ વર્ષથી પીએચડીમાં અભ્યાસ કરી રહ્યા છે. ભાવેશ રબારીની પીએચડી માટેની સમય મર્યાદા વધારી આપવા માટે કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાએ ના પાડી દીધી હતી. આ અંગે ભાવેશ રબારીએ ગત તા. ૧૫/૬/૨૦૧૮ના રોજ કુલપતિને પ્રવેશ ફોર્મ માન્ય રાખવા માટે રજૂઆત કરી હતી. કુલપતિ દ્વારા માલધારી સમાજના વિદ્યાર્થિની આબરૂ અને સ્વમાન ઘવાય તે રીતે અપમાનજનક શબ્દો ઉચચારીને સમગ્ર માલધારી સમાજને જાતિય વિશે ખરાબ શબ્દો બોલ્યા હતા જેમાં વિરોધમાં આજે સુરત શહેર માલધારી સમાજના નેજા હેઠળ આગેવાનો યુનિવર્સિટી ખાતે ભેગા થઈ કુલપતિને આવેદનપત્ર આપી ભાવેશ રબારીનો પ્રવેશ ફોર્મ રદ કરતો નિર્ણય પાછો ખચવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો આ નિર્ણય અંગે પુર્નવિચારણા ન થાય તો માલધારી સમાજ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો આપશે જેની જવાબદારી કુલપીત ડો. ગુપ્તાની રહેશે. આજે સવારથી જ માલધારી સમાજના આગેવાનો યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર આપવા માટે ભેગા થયા હતા. યુનિ.ના મુખ્ય ગેટ ખાતે ૧૫૦ થી ૨૦૦ જેટલા માલધારી સમાજના આગેવાનોને જોઈને કુલપતિ દ્વારા શહેર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે યુનિ. ખાતે હાજર માલધારી સમાજના આગેવાનો પૈકી કોર્પોરેટર શૈલેષ રાયકા, ભદ્રેશ પરમાર, માલધારી સમાજ સુરત શહેર અધ્યક્ષ વાઘુભાઈ દેસાઈ , યુથ કોગ્રેસના ઉપાધ્યક્ષ રૂસીન રાયકા, એડવોકેટ દિનેશ રાયકા, એનએસયુઆઈ પ્રમુખ મનિષ દેસાઈ, પૂર્વ પ્રમુખ મીતુલ દેસાઈ સહિત શહેરની વિવિધ કોલેજાના જીએસ અને એનએસયુઆઈ આગેવાનોની શહેર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.