ભાજપના મહિલા ધારાસભ્ય અને કોર્પોરેટરનો સ્થાનિકોએ કરેલો વિરોધ

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૭
સ્માર્ટ સીટી વડોદરા શહેરમાં દૂષિત પાણી અને ફેલાયેલા રોગચાળાથી ત્રાસી ગયેલી પ્રજા પાલિકાના શાશકો અને વહીવટી તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. નવાપુરામાં ઝાડા ઉલ્ટીનાં ફેલાયેલા વાવર વચ્ચે વિસ્તારની મુલાકાત લેવા પહોંચેલા ભાજપના મહિલા ધારાસભ્ય અને કોર્પોરેટરનો લોકોએ ઠેર ઠેર વિરોધ કરી પોતાની ઉગ્ર રજુઆત કરી હતી. જોકે મુલાકાત લેવા આવેલા મેયર નાકા પરથી જ રવાના થયા હતા. સ્માર્ટ સીટીમાં સમાવેશ થતા જ પાલિકાના શાસકો અને વહીવટી તંત્રએ અવનવા અખતરા કરી પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ કર્યું છે. જોકે આજે પણ આમ જનતા પીવાના સ્વચ્છ પાણી માટે વલખા મારી રહી છે. શહેરમાં સંખ્યાબંધ વિસ્તારોમાં દૂષિત પાણી આવતું હોવાથી અનેક ફરીયાદો ઉઠી છે. જ્યારે એ.સી. ઓફિસોમાં બેસી શહેરનો વહીવટ કરતા અધિકારીઓ આ સમસ્યાનો ઉકેલ લાવવા નિષ્ફળ નિવડયા છે. ત્યારે આજે મોડે મોડા નવાપુરા વિસ્તારની મુલાકાતે ગયેલા ભાજપના હોદ્દેદારોને દૂષિત પાણીથી ત્રસ્ત પ્રજાનો રોષનો ભોગ બનવું પડ્યું હતું. વડોદરાના નવાપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી આવે છે. વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર બાલુ સુર્વેએ દૂષિત પાણીની સમસ્યા અંગે એકવાર તંત્રને રજૂઆત કરવા છતાં તેનું કોઇ નિરાકરણ નહી આવતા વિસ્તારમાં ઝાડા ઉલ્ટીનો વાવર ફેલાયો હતો. જેમાં એક ચાર વર્ષની બાળકી સહિત બેના મોત નિપજ્યા હોવાની માહિતી મળી છે. જ્યારે આજે વધુ એક વ્યકિતનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. તદ્દપરાંત ૫૦ થી વધારે લોકોની સારવાર હેઠળ છે. ત્યારે નવાપુરા ફેલાયેલા રોગચાળા બાદ આજે ભાજપના મહિલા ધારાસભ્ય સીમાબેન મોહિલે અને કાઉન્સીલર મનોરમાબેન ખરડે વિસ્તારની મુલાકાતે પહોંચ્યા જ્યાં સ્થાનિક લોકોએ તેઓનો ઠેર ઠેર વિરોધ કર્યો હતો. ભાજપના હોદ્દેદારોએ જે વિસ્તારની મુલાકાત લીધી ત્યાં સ્થાનિક લોકોએ તેઓને સમસ્યા સંદર્ભે ઉગ્ર રજુઆત કરી હતી. વિસ્તારના કાઉન્સીલર મનોરમાબેન પ્રથમ વખત વિસ્તારમાં આવ્યા હોવાનું જણાવી લોકોએ તેમના વિરૂદ્ધ નારાજગી દર્શાવી હતી. ભાજપના હોદ્દેદારોની સાથે સાથે મેડીકલ ટીમની અને મીકેનીકલ શાખાના કર્મચારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. જોકે એક બાળકીના મોત બાદ વિસ્તારની મુલાકાતે કેમ આવ્યા તેવા પ્રશ્નો ભાજપના હોદ્દેદારોએ ઠેર ઠેર સામનો કરવો પડ્યો હતો. આ સિવાય મેયર ડો. જીગીશાબેન શેઠ પણ વિસ્તારની મુલાકેત આવી પહોંચ્યા હતા. પરંતુ સ્થાનિક લોકોનો આક્રોશ જોઇ તેઓ નાકા પરથી પરત ફર્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks