માંગરોળના વિરોલ ગામની નદીમાં ન્હાવા પડેલ ત્રણ મુસ્લિમ યુવાનોનાં મોતથી અરેરાટી

માંગરોળ, તા.૨૩
માંગરોળ તાલુકાના વિરોલ ગામે નદીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોનાં કરૂણ મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. ઈદના બીજા દિવસે વિરોલ ગામની નદીમાં ત્રણ ત્રણ મુસ્લિમ યુવાનોનાં મોત નિપજતા મુસ્લિમ સમાજમાં ઈદના ખુશીના દિવસોમાં જ ગમગીની છવાઇ ગઇ છે.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ માંગરોળ તાલુકાના ચાખવા ગામના કેટલાક યુવાનો આજે ઇદના બીજા દિવસે બપોરના ૧૨ વાગ્યાની આસપાસ હરવા ફરવા અને નાહવાની મજા માણવા નજીકના ૪ કિ.મી. દૂર વિરોલ ગામે ગયા હતા. જ્યાં વિરોલ ગામની નદીમાં નાહવાની મજા લેવા ઘણા યુવાનો છીછરા પાણીની નદીમાં ઉતર્યા હતા. એ દરમિયાન ફૈઝલખાન મુહંમદખાન બેલીમ (ઉ.વ. ૧૯ રહે.ગડુ)નો યુવક નદીમાં જ ઊંડા કાદવ જેવા ખાડામાં ડુબવા લાગ્યો હતો. સગા મામાના છોકરાને ડૂબતો જોઈને ચાખવા ગામના આશિફખાન ઐયુબખાન બેલીમ (ઉ. વ. ૨૮) તેને બચાવવા કુદી પડેલ પરંતુ તે પણ ખાડામાં ડૂબવા લાગેલ સગા સાળા અને કુટુંબના ન જ બે બે યુવકોને મોત સામે ઝઝુમતા જોઈ ન શકતા ચાખવાના મૌલાના સાજીખાન હસનખાન બેલીમ (ઉં.વ.૩૨) પણ બંને યુવાનોને બચાવવા કુદી પડ્યા હતા. પરંતુ તેમને પણ આ જીવલેણ નદીનો ખાડો ભરખી ગયો હતો. મૌલાના સાજીખાન નદીમાં કુદવા પહેલા પરિવારજનોને ફોન કરીને તાત્કાલિક દોડી આવવા જાણ પણ કરી હતી પરંતુ પરિવારના જ બે બે યુવકોને ડૂબતા જોઈ ન શકતા પોતે પણ જાનની પરવા કર્યા વિના કુદી પડ્યા હતા. આવી કરૂણ ઘટનાથી ભયભીત તમામ યુવાનો બચાવો બચાવોની બૂમાબૂમ કરી મુકી હતી અને બંને યુવાનોને બચાવવા પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમાં સફળતા મળી નહોતી.બૂમોની અવાજ સાંભળીને વિરોલ ગામના લોકો પણ દોડી આવ્યા હતા જેમાં તરવૈયા યુવાનોએ મહામુસીબતે ત્રણેય યુવાનોને બહાર કાઢ્યા હતા. ત્રણેયને માંગરોળની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે ત્રણેય યુવાનોને મૃત જાહેર કર્યા હતા. આ ચકચારી બનાવના પગલે માંગરોળ મુસ્લિમ સમાજ ના આગેવાનો અને ઉલ્માઓ સહિત લોકોના ટોળેટોળા સરકારી હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. ડૂબી જનાર મૌલાના સાજીખાન જુનાગઢમાં ઈમામત કરાવતા હતા. તેઓ ટુંક સમયમાં જ પોતાની સુફી સ્વભાવથી સારી એવી નામના મેળવી હતી ત્યારે તેમના અચાનક મોતનાં સમાચાર મળતાં જુનાગઢથી પણ મુસ્લિમ સમાજના આગેવાનો અને ઉલ્માઓ માંગરોળ દોડી આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks