નવી દિલ્હી,તા.૨પ
યુસીઆઇ જુનિયર ટ્રેક વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ લેતા પહેલાં જ ભારતીય સાઇકલિસ્ટો માટે વિઝાની અડચણોએ મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ટૂર્નામેન્ટનું આયોજન સ્વિટ્ઝર્લેન્ડના એગ્લેમાં તા.૧૫ થી ૧૯ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે.
આ સ્થિતિમાં સ્વિસ દૂતાવાસે ભારતીય ટીમને વિઝા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ભારતીય સાઇકલિંગ મહાસંઘના મહાસચિવ ઓમકારસિંહે આ વાતની પુષ્ટિ પણ કરી છે.
ઓમકારે કહ્યું, ”સીએફઆઇએ આવેદનની સાથે ટૂર્નામેન્ટની આયોજન સમિતિનો નિમંત્રણપત્ર પણ મોકલ્યો હતો. આમ છતાં સ્વિસ દૂતાવાસે વિઝા આપવાનો ઇનકાર કરી દીધો.” આ ટૂર્નામેન્ટ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન સોમવારથી શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ ઓમકારનું કહેવું છે કે આને વિઝા પ્રક્રિયા સાથે કોઈ લેવાદેવા નથી.
મહાસંઘે વિશ્વ ચેમ્પિયનશિપની આયોજન સમિતિને આ મામલામાં હસ્તક્ષેપ કરવા માટે પત્ર લખ્યો છે. આ ઉપરાંત મહાસંઘે દૂતાવાસને પણ પત્ર લખીને ભારતીય એથલિટોને વિઝા આપવાનો આગ્રહ કર્યો છે, જેથી ભારતીય ટીમના છ સભ્યો આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકે.
ઓમકારે જણાવ્યું કે અમે બધા દસ્તાવેજોની સાથે સામાન્ય વિઝા માટે આવેદન આપ્યું છે, પરંતુ દુર્ભાગ્યે રહેવાની વ્યવસ્થા અને ઉદ્દેશને સ્પષ્ટ ન કરવાના કારણથી નજરઅંદાજ કરી દેવામાં આવ્યા છે. આ સંબંધમાં સીએફઆઇ દ્વારા રમત મંત્રાલયનો સંપર્ક સાધવાના મામલામાં ઓમકારે કહ્યું, ”હાલમાં અમે આયોજન સમિતિ તરફથી પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છીએ અને ત્યાર બાદ અમે અન્ય વિકલ્પો અંગે વિચાર કરીશું.”