(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
વિઝાના નવા નિયમોથી ભારતીય પાસપોર્ટ ધારકોના પ્રવાસની પ્રક્રિયા સરળ બનશે. જો તમે ભારતીય પાસપોર્ટ ધરાવો છો અને અવારનવાર પ્રવાસ કરો છો તો, એક કે વધુ વાર વિઝા સંબંધિત મુદ્દાઓનો તમારે સામનોે કરવાની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. ૨૦૧૮માં ભારતીય પાસપોર્ટ ધારકો માટે ૫૯ દેશો વિઝા ઓન અરાઇવલ કે વિઝા ફ્રી ટ્રાવેલની ઓફર કરે છે પરંતુ અમેરિકા અને યુરોપના મોટા ભાગના દેશોમાં હજીપણ તમારા પાસપોર્ટ પર વિઝા સ્ટેમ્પ જરૂરી છે. જોકે, ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝાના નિયમોમાં થોડીક રાહત આપવામાં આવી છે. વિઝાના નવા નિયમો લાગુ કરાયા છે અને જો તમારી પાસે ભારતીય પાસપોર્ટ છે તો વિઝાના નવા નિયમોથી તમારો પ્રવાસ સરળ થઇ શકે છે.
વિઝાના નવા નિયમો પર એક નજર
૧. જો તમે ફ્રાન્સના કોઇપણ એરપોર્ટના ઇન્ટરનેશનલ ઝોનમાંથી પસાર થઇ રહ્યા છો તો તમને એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નથી.
૨. જો તમે ઓમાનનો પ્રવાસ કરી રહ્યો છો તો ૩૭૦૦ રૂપિયા ભરીને તમે ઓમાનમાં એક મહિનાનો ટુરિસ્ટ વિઝા ઓન અરાઇવલ મેળવી શકશો પરંતુ આ નિયમ જો તમે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, જાપાન કે સેનઝેન દેશોમાં રહેતા હોવ કે તમારી પાસે આ દેશોના એન્ટ્રી વિઝા હોય તો લાગુ થશે. તમારી સાથે તમારા જીવનસાથી અને બાળકોને પણ વિઝા ઓન અરાઇવલ મળીશે.
૩. જો તમે મ્યાનમાર જવાની યોજના બનાવી રહ્યા છો તો મ્યાનમારમાં જવાનું તમાર માટે બહુ સરળ થઇ ગયું છે. ચેક પોસ્ટ પર તમારે તમારો ઇ-વિઝા બતાવવો પડશે. બે દિવસમાં ઇ-વિઝા મળી જાય છે.
૪. યુએઇની મુલાકાત લેવા માગતા ભારે કુશળ વ્યવસાયિકો અને રોકાણકારોને હવે યુએઇ ૧૦ વર્ષના લાંબા ગાળાનો વિઝા આપે છે. આ વિઝા સાયન્સ, મેડિસિન અને રિસર્ચમાં નિષ્ણાંતને અપાય છે. આ વિઝા અસાધારણ વિદ્યાર્થીઓને અપાય છે.
૫. ઇઝરાયેલ હવે ભારતીય પાસપોર્ટ ધારકો માટે તેની વિઝા ફી ૧૭૦૦ રૂપિયાથી ઘટાડીને ૧૧૦૦ રૂપિયા કરી દીધી છે. નવી વિઝા ફીનો લાભ લેવા માટે તમારે બીટુ (બિઝનેસ, ટુરિઝ્મ કે મીટિંગ અથવા કોન્ફરન્સ) કેટેગરીના વિઝા માટે અરજી કરવી પડશે.
૬. ભારતથી ઉઝબેકિસ્તાન જવાનું પણ હવે સરળ થઇ ગયું છે. તમારી ટ્રિપના ત્રણ દિવસ પહેલા તમારી ઇ-વિઝા અરજી કરો. ૩૦ દિવસના સમયગાળા માટે તમને સિંગલ-એન્ટ્રી ઇ-વિઝા મળી જશે.
૭. યુએઇએ અમિરાતમાં ટુરિઝ્મને પ્રોત્સાહન આપવા માટે વિઝાના નવા નિયમોની જાહેરાત કરી છે. દર વર્ષે ૧૫ જુલાઇથી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન તમારી સાથે જનારા ૧૮ વર્ષથી ઓછી વયના તમારા પર આધારિત વ્યક્તિઓને પણ યુએઇ વિઝા-ફ્રી ટ્રાવેલની ઓફર કરી રહ્યું છે. આનો એવો અર્થ થાય છે કે જો તમે ફેમિલી હોલી ડે માટે દુબઇ કે અબુ ધાબી જઇ રહ્યા છો અને ૧૮ વર્ષથી ઓછી વયના તમારા સંતાનો પણ તમારી સાથે છે તો તમારા સંતાનોને પણ ટ્રાવેલ વિઝા ફ્રી મળશે.
૮. દેશમાં ટુરિઝ્મને પ્રોત્સાહન આપવાના એક પ્રયાસરૂપે સાઉદી અરેબિયા પણ હવે ૨૫ વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓને પણ તેમની સાથે કોઇ પુરૂષ ન હોય તો પણ ટુરિસ્ટ વિઝા આપી રહ્યું છે. પ્રથમ વાર સાઉદી અરેબિયાએ વિઝાના નિયમો હળવા કર્યા છે. દેશમાં મોડરેટ અને ઓપન ઇસ્લામનું ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને વચન આપ્યા બાદ વિઝાના નવા નિયમો અમલી બનાવાયા છે.
૯. એશિયાના દેશોમાં જાપાન એકમાત્ર એવો દેશ છે કે ભારતીય પાસપોર્ટ ધારકો માટે તેના વિઝાના નિયમો અમેરિકા કે યુરોપના દેશો જેવા છે પરંતુ જાપાને પણ હવે ભારતીય પાસપોર્ટ ધારકો માટે પ્રવાસના નિયમો હળવા કર્યા છે. જો તમે જાપાનમાં ટૂુંકા ગાળા માટે રોકાવા કે મલ્ટિપલ એન્ટ્રી વિઝા માટે અરજી કરી રહ્યા છો તો તમારે નોકરીના પ્રમાણપત્રો કે તમારા પ્રવાસના કારણો બતાવતો પત્ર બતાવવાની જરૂર નથી.
૧૦. ભારતીય પાસપોર્ટ ધારકોને હવે ઝિમ્બાબ્વેમાં પણ વિઝા ઓન અરાઇવલ મળશે. ઝિમ્બાબ્વેએ ૨૮ દેશો માટે તેના વિઝાના નિયમો હળવા કર્યા છે, આ દેશોમાં ભારત સામેલ છે.