વિસાવદર,તા.રર
વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ ર૦૧૭ની વિધાનસભામાં ચૂંટાયા બાદ શપથ વિધી થયા પહેલા જ પ્રજાના કામોને અગ્રતાક્રમ આપી જૂનાગઢના કલેકટરને લેખિત રજૂઆત કરી રોડ રસ્તા તાત્કાલિક અસરથી બનાવવા માટે જરૂરી મંજૂરી આપવા માટે રજૂઆત કરેલી છે.
રીબડિયાએ તેમની લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે તાજેતરમાં વિસાવદર શહેરમાં ભુગર્ભ ગટરના કારણે રોડ રસ્તાનું ખોદકામ કરી રસ્તા ખોદી નાખવામાં આવેલા છે. તે રસ્તાના પ્લાન એસ્ટીમેન્ટ આપની કચેરીમાં મોકલાયેલ છે જે જુદા જુદા હેડે રોડ રસ્તા મંજૂર કરી નગરપાલિકાએ ઠરાવો કરેલા છે તેવા રોડ રસ્તાની તાંત્રિક મંજૂરી તથા વહીવટી મંજૂરી કચેરીમાં પેન્ડીંગ છે. હવે વિધાનસભાની ચૂંટણીની કાર્યવાહી તથા આચારસંહિતા પૂર્ણ થયેલ હોય ઉપરોકત રોડ રસ્તાને તાત્કાલિક અસરથી મંજૂરી આપવા અરજ છે. વિસાવદર વિધાનસભામાં ૧૦૮ના ધારાસભ્ય રીબડિયાએ લોકપ્રશ્ને સતત જાગૃત રહી પ્રજાના કાર્યો કરેલ હોય વિકાસના કામ માટે ગમે ત્યારે ગમે તેવા વિકાસના કાર્યો માટે તત્પર હોય અને સરકારમાં અસરકારક રજૂઆત કરવા માટે જાણીતા છે. તેમ ધારાસભ્યના અંગત મદદનીશ અમરકુમાર મહેતાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.