(એજન્સી) શોપિયાન, તા.૨
શ્રીનગરની એસ.એમ.એચ.એસ. હોસ્પિટલમાં આવેલા વોર્ડ નંબર ૧૮માં મોહમ્મદ અસલમ શેખ તેમના ૮ વર્ષના પુત્ર અર્સલાન અહેમદને બીજી શસ્ત્રક્રિયા માટે તૈયાર કરી રહ્યા છે. અસલમ તેમના પુત્રને સૂપનો વાટકો ધરતા તેના જમણા કાનમાં ગણગણી રહ્યાં છે કે, તે એક-બે દિવસમાં જ તેની ગુમાવેલી દૃષ્ટિને પાછી મેળવી લેશે. પોતાનાં પિતાના આ શબ્દો સંભાળીને તેના નિસ્તેજ ચહેરા પર એક સ્મિત રેલાઈ ગયું. આ જ હોસ્પિટલમાં મોહમ્મદ અસલમ શેખના ભાઈ ખુરશીદ અહમદ શેખ પણ તેમના ૧૨ વર્ષીય પુત્ર તાહિર અહમદને તેના હાડકાં અને સાંધાના અન્ય એક ઓપરેશન માટે ખસેડી રહ્યાં છે.
ખુર્શીદના પત્ની અહીં એસ.એમ.એચ.એસ. હોસ્પિટલની નજીકમાં જ ભાડાના ઘરમાં રહીને તેમની દીકરી રઝિયા, કે જેને તાજેતરમાં જ ઓપરેશન દ્વારા ટાંકા લઈને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેની સારસંભાળ રાખી રહ્યાં છે. બીજી તરફ શોપિયાનમાં આવેલા તેમના ઘરમાં શેખના પિતા અબ્દુલ ગની પોતાના ઓરડાના એક ખૂણે બેસીને પોતાની પુત્રીના પુત્ર સલિક ઇકબાલના મૃત્યુનો શોક વ્યક્ત કરી રહ્યાં છે.
૧૧ જુલાઈના રોજ શોપિયાન શહેરના મિમેન્દર વિસ્તારમાં આવેલા આ પરિવારના ઘરના આંગણામાં આ ચારેય બાળકો રમતા હતાં, તે સમયે જ તેમના આંગણામાં છૂપાવવામાં આવેલા વિસ્ફોટકો ફાટતા સલીકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ૩ બાળકો અર્સલાન, તાહિર અને રઝિયા ગંભીર રીતે ઘાયલ થયા હતાં. એક જ પરિવારના આ ૪ બાળકોમાંથી એક બાળકને તો તેઓ ગુમાવી ચૂક્યા છે, પરંતુ ઘાયલ થયેલાં અન્ય ૩ બાળકોની સારવારનો સમય પણ તેમના માટે કોઈ અગ્નિપરીક્ષાથી ઓછો નથી.
આ હુમલામાં અર્સલન પોતાની દૃષ્ટિ ગુમાવી ચૂક્યો છે, જ્યારે તાહિર પોતાનો જમણો હાથ ખોઈ બેઠો છે અને હાલ તેને તેના ફ્રેકચર થયેલા પગ માટે બીજું ઓપરેશન પણ કરાવવાનું છે. જ્યારે આ રઝિયા આ હુમલામાં પોતાનાં કમરથી નીચેના ભાગમાં દાઝી ગઈ છે અને તેણીના હાડકાં પણ તૂટી ગયા છે. મૃત્યુ પામનાર સલીકની માતા રૂકસાના પણ આ વિસ્ફોટની જગ્યાની ખૂબ જ નજીકમાં હોવાથી તેણીને પણ તેના ડાબા હાથ અને ખભાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. જો કે, આ શેખ બંધુઓ સરકારી કર્મચારીઓ છે અને તેમણે અત્યાર સુધીમાં જેટલી પણ બચત કરી હતી, તે બધી જ તેમના બાળકોની સારવાર કરવામાં પૂરી થઈ ગઈ છે અને તેમના બાળકોની સારવાર હજુ પણ ચાલું રહેવાની હોવાથી તેમને વધુ પૈસાની જરૂર છે.