National

મમતા બેનરજીની વિશાળ વિપક્ષી રેલી : બંગાળના મંચ પર યુપીનું નવું રાજકીય જોડાણ દેખાશે

(એજન્સી) કોલકાતા, તા. ૧૮
ઉત્તરપ્રદેશથી સેંકડો કિલોમીટર દૂર આવેલા પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના મમતા બેનરજી દ્વારા ભાજપ વિરોધી મેગા રેલીમાં નવું પક્ષ-જોડાણ જોવા મળશે. ઉત્તરપ્રદેશના બંને પૂર્વ મુખ્યમંત્રીઓ અખિલેશ યાદવ અને માયાવતીએ જોડાણ કર્યાના દિવસોમાં જ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાનારી મમતા બેનરજીની સંયુક્ત વિપક્ષી રેલીમાં ભાગ લેવા જશે. અખિલેશ યાદવ પોતે રેલીમાં હાજર રહેશે જ્યારે માયાવતીના સ્થાને તેમના પ્રતિનિધિ સતિષ ચંદ્ર મિશ્રા રેલીમાં હાજર રહેશે. એસપી-બીએસપી ગઠબંધનમાં સામેલ થવાની વાતો કરનારા પશ્ચિમ ઉત્તરપ્રદેશના અન્ય પક્ષ રાષ્ટ્રીય લોકદળના અજીત સિંહ અને જયંત ચૌધરી હાજર રહેશે. જ્યારે કોેંગ્રેસે પોતાના પ્રતિનિધિ તરીકે મલ્લિકાર્જુન ખડગેને મોકલવાનો નિર્ણય કર્યોર્ છે. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ પણ મમતા બેનરજીની મેગા રેલીમાં હાજર રહે તેવી પૂરી શક્યતા છે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, જમ્મુ-કાશ્મીરના નેતાઓ ફારૂક અબ્દુલ્લાહ અને ઓમર અબ્દુલ્લાહ પણ હાજર રહેશે. રાજદના તેજસ્વી યાદવ, ડીએમકેના એમકે સ્ટાલિન અને ભાજપના નારાજ સાંસદ શત્રુઘ્ન સિંહા પણ રેલીમાં ભાગ લેશે. કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ અભિષેક મનુ સિંઘવી રેલીમાં જોડાશે. બીજી તરફ એનસીપીના વડા શરદ પવાર, પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા અને અરૂણ શૌરી, પાટિદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ, દલિત નેતા જિગ્નેશ મેવાણી અને ઝારખંડ વિકાસ મોરચાના બાબુલાલ મરાંડી પણ આ મંચ પર દેખાશે. દરમિાયન તાજેતરમાં જ ભાજપ છોડી ગયેલા અરૂણાચલપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ગેગોંગ અપાંગ પણ આ રેલીમાં જોડાવા માટે તૈયાર છે. ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાના ગઠબંધન બાદ તૃણમૂલ કોંગ્રેસનો વારો આવ્યો છે અને પશ્યિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી વિપક્ષની રેલી યોજશે. તેમના પક્ષના નેતાઓએ મમતા બેનરજી દ્વારા આવતીકાલ ૧૯મી જાન્યુઆરીએ યોજવામાં આવનારી વિપક્ષની રેલીને મધર ઓફ ઓલ રેલી (વિશાળ રેલી)ગણાવી છે. આ રેલી કોલકાતાના બ્રિગેડ મેદાનમાં કાલે ૧૯મી જાન્યુઆરીએ યોજવામાં આવશે. રેલીમાં લાખો લોકો ઉપસ્થિત રહેવાના હોવાનું જણાવવામાં આવ્યું છે. મમતા બેનરજીની ૧૯મી જાન્યુઆરીએ યોજાનારી રેલી માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રેલીમાં ઉપસ્થિત રહેનારા રાજકીય નેતાઓ પ્રતિનિધિઓ, મહાનુભાવો અને લાખો લોકોને કોઇ તકલીફ ન પડે તેના માટે રેલીના સ્થળે પાંચ મંચ બનાવવામાં આવ્યા છે, ૨૦ એલઇડી સ્ક્રીન્સ અને ૧૦૦૦ લાઉડ સ્પીકર્સ લગાડવામાં આવ્યા છે. રેલીના સ્થળે વ્યવસ્થા સાચવવા માટે ભારે સંખ્યામાં પોલીસ કર્મચારીઓની ગોઠવણી ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના ૩૦૦૦ વોલન્ટિયર્સ પણ ઉપસ્થિત રહેવાના હોવાનું પક્ષના એક નેતાએ જણાવ્યું છે. મમતા બેનરજીની આ મેગા રેલીમાં ભાગ લેવા માટે સમગ્ર દેશમાંથી વિપક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને ઘણા નેતાઓએ રેલીમાં આવવાની પુષ્ટિ કરી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આાવ્યું છે. રેલીમાં ત્રણ રાજયો દિલ્હી, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના મુખ્યપ્રધાનો અનુક્રમે અરવિંદ કેજરીવાલ, ચંદ્રાબાબુ નાયડુ અને એચડી કુમારસ્વામી ઉપસ્થિત રહેશે. મમતા બેનરજીની વિશાળ રેલીમાં ભાગ લેવા માટે બસપા, સપા, રાજદ, નેશનલ કોન્ફરન્સ અને એનસીપી સહિત અન્ય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે.