(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
ભાજપની ચૂંટણીમાં જીત ફરી એકવાર સાબિત કરે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપની છાવણીના સૌથી મોટા શસ્ત્ર છે. છેલ્લા બે મહિનાઓમાં ગુજરાતની વારંવાર યાત્રાઓમાં એક વાત સ્પષ્ટપણે ઉભરી આવી હતી કે ‘‘કોંગ્રેસ મજબૂત લડત આપી રહી છે પરંતુ ભાજપ સરકાર બનાવશે.’’ સોમવારે આવેલ પરિણામોમાં આ વાત સાબિત થઈ છે કે, કોંગ્રેસે ર૦૧રના આંકડાઓની સરખામણીમાં સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ રાજ્યમાં હજુ વિપક્ષની ભૂમિકામાં છે. મતગણતરી દરમિયાન અને હવે તે પૂર્ણ થયા બાદ કેટલાક સ્પષ્ટ કારણો જાણી શકાય છે કે, ચૂંટણીઓ જે પ્રકારે થઈ તે કયા કારણોસર થઈ.
મોદી ફેકટર
ચૂંટણીમાં વિજય સાબિત કરે છે કે, મોદી હજી પણ ભાજપના સૌથી શક્તિશાળી નેતા છે. ભાજપના વિપક્ષના પ્રચારના મુદ્દાઓને અર્થવિહીન સાબિત કરવાના પ્રયત્નો સફળ થયા નહીં. પરંતુ વડાપ્રધાન મોદીની દરેક જિલ્લામાં ભવ્ય પ્રચાર ઝુંબેશ ૧પ દિવસમાં ૩૪ રેલીઓ અને તેમનું ગુજરાત કનેકશન મહત્ત્વના પાસા સાબિત થયા. પ્રચાર દરમિયાન કેટલીક બયાનબાજીઓ ખાસ કરીને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અંગેના નિવેદન કેટલેક અંશે તણાવ ઊભો કર્યો હતો પરંતુ મોદીએ સફળતાપૂર્વક નિર્ણાયક સમયે પ્રચાર ઝુંબેશનો અંત આણ્યો. એક વરિષ્ઠ ભાજપ નેતાએ જણાવ્યા મુજબ એક મતદાતાના તમારી વિરૂદ્ધ હોવાના ચાર તબક્કા છે. પ્રથમ તબક્કો એ કે જ્યારે વ્યક્તિ તમારાથી નારાજ છે છતાંય તમને મત આપશે. બીજો તબક્કો જ્યારે વ્યક્તિ તમારાથી નારાજ છે અને અન્ય વિકલ્પ અંગે વિચારે છે છતાંય તમારા માટે મત કરે છે. ત્રીજા તબક્કામાં નારાજ મતદાતા ઘરે બેસી રહેશે અને ચોથા તબક્કામાં નારાજ મતદાતા તમારી વિરૂદ્ધમાં જે કોઈ હશે તે અંગે ધ્યાન આપ્યા વિના તમારી વિરૂદ્ધ જ મતદાન કરશે. ગુજરાતમાં હજુ અમે બીજા અને ત્રીજા તબક્કાની વચ્ચે હતા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમારા મતદારો પરત મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
પૂર્વ પગલાંઓ અને ઝીણવટપૂર્વક વ્યવસ્થાપન
ભાજપની ચૂંટણી માટેની ભવ્ય પૂર્વ તૈયારીઓ આ ચૂંટણીઓ માટે તેના શ્રેષ્ઠ સ્વરૂપમાં હતી. જૂન સુધીમાં પક્ષે પોતાની બુથ કમિટીઓની રચનાનું કામ પૂર્ણ કર્યું હતું. (એક કમિટીમાં ર૧ સભ્યો હોય ત્યારે તે સંપૂર્ણ ગણાય). આ કમિટીના પેટાવિભાગ પાના પ્રમુખ બનાવાયા હતા જે જે-તે પ્રદેશના ૪૮ મતદારોના પ્રભારી તરીકે કાર્યરત હતા. કુલ ૭,પ૦૦ કાર્યકર્તાઓ આ કામ માટે નિયુક્ત કરાયા હતા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી નરોત્તમ મિશ્રા, જે સૌરાષ્ટ્રની ર૬ બેઠકોનો કારભાર સંભાળતા હતા તેમના જણાવ્યા મુજબ ભાજપના પક્ષપ્રમુખ અમિત શાહે આ દરેક પાના પ્રમુખ સાથે વાતચીત કરી હતી. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષનું દરેક પાના પ્રમુખ સાથે વાતચીત કરવી એ મોટી વાત છે.
કોંગ્રેસ દ્વારા પોતાના પગ પર કુહાડી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે પ્રચાર ઝુંબેશ દરમિયાન પોતાના નિવેદનમાં ‘નીચ’ શબ્દનો પ્રયોગ કરતાં ભાજપને નરેન્દ્ર મોદીના પછાત મૂળ અને તેમની સ્વયં નિમિતિ રાજકીય કારકિર્દી પર લક્ષ્ય એકત્રિક કરવાનો સુવર્ણ અવસર મળ્યો.
હાર્દિક ફેકટર
પરિણામોની ઉજવણીના પડઘમ શાંત પડ્યા બાદ ભાજપે હાર્દિક પટેલની ભૂમિકાનું મુલ્યાંકન કરવાની જરૂર છે. કોંગ્રેસે કચ્છ અને સૌરાષ્ટ્ર પટ્ટામાં સ્પષ્ટ બહુમતી મેળવી તે ભાજપ માટે ચિંતાનો વિષય છે. પક્ષના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, આ મુદ્દે ચોક્કસ મુલ્યાંકન કરાશે. બીજી બાજુ સુરતમાં ભાજપની બહુમતી સાબિત કરે છે કે, જીએસટીએ અસરકારક પરિબળ ન હતું કારણ કે જીએટીનો વિરોધ સૌથી વધુ સુરતમાં થયો હતો.
આખરે માર્જીન નહીં જીત મહત્ત્વની
ભાજપે સતત છઠ્ઠીવાર ગુજરાતમાં વિજય મેળવ્યો છે ત્યારે પક્ષના જનરલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે ગુજરાતમાં આ અમારો સતત છઠ્ઠો વિજય છે જે પક્ષ માટે મોટી ઉપલબ્ધિ છે. આ નાની વાત નથી. આ કોંગ્રેસ દ્વારા ઊભા કરાયેલ જાતિવાદ વિરૂદ્ધની જીત છે. આ વિકાસની જીત છે. જો કે, કોંગ્રેસ માટે પરાજયમાં પણ રાહત છે કારણ કે ગુજરાતમાં કોંગ્રેસે આટલી બધી બેઠક મળવી એ ભાજપ માટે ચેતવણી સમાન છે. પરંતુ ભાજપની ૧૯ રાજ્યોમાં સરકાર એ કોંગ્રેસ માટે મહત્ત્વનો વિષય છે.