(એજન્સી) મુંબઈ, તા.ર
દાદરમાં આવેલી ઈંદુ મિલમાં ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારકના ભૂમિપૂજનના ર વર્ષ બાદ ફડણવીસ સરકાર સક્રિય બની છે. સામાજિક ન્યાયમંત્રી રાજકુમાર બડોલે દાવો કરી રહ્યા છે કે, બે મહિનાની અંદર સ્મારક બનાવવાની શરૂઆત કરી દઈશું, જ્યારે હજી સુધી સ્મારક બનાવવાની ટેન્ડરની પ્રક્રિયા પણ પૂરી થઈ નથી સ્મારકની જાણકારી આપવા માટે ૬ ડિસેમ્બર પહેલા ડિઝિટલ બોર્ડ લગાવવાનો નિર્દેશ મંત્રીએ આપ્યો છે. આ ઉપરાંત અહીં સ્મારકનું મોડલ પણ મૂકવામાં આવશે જેથી લોકો તેને જોઈ શકે. ડો.બાબાસાહેબ આંબેડકર સ્મારક બનાવવા અંગે મંત્રાલયમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બડોલેએ કહ્યું કે, સ્મારકના કામકાજના સંદર્ભમાં મંગાવવામાં આવેલા ટેન્ડરને ઓછો પ્રતિસાદ મળવાને કારણે ઓછો સમય ફાળવીને નવા ટેન્ડર મંગાવીને આ પ્રક્રિયા પૂરી કરવામાં આવે. તેમણે કહ્યું કે, સ્મારકમાં મૂકાનાર ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા વિશ્વમાં સૌથી વધારે ઊંચી હશે. બેઠકમાં એમએમઆરડીએ અધિકારીઓએ કહ્યું કે, આ સ્મારક માટે બધી જ મંજૂરી મળી ચૂકી છે, ભંડોળ પણ ઉપલબ્ધ છે. પહેલા અહિંયા ૮૦ ફૂટની પ્રતિમાની સ્થાપના કરવાની યોજના હતી, પરંતુ ત્યારબાદ અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી પણ ઊંચી ૩પ૦ ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિમા સંસદ ભવન પરિસરમાં સ્થપાયેલ ડો.આંબેડકરની પ્રતિમા જેવી જ હશે અને સ્મારકને સાંચીના વિશ્વ પ્રસિદ્ધ બૌદ્ધ સ્તૂપની જેમ જ બનાવવામાં આવશે. ઉપરાંત અહિંયા બનવા જઈ રહેલી આર્ટ ગેલેરીમાં ડો.ભીમરાવ આંબેડકરના જીવન પર આધારિત કલાકૃતિઓને પણ સ્થાપવામાં આવશે.