પોતાની સાથે વિશ્વાસઘાત કરનાર ભારત સામે મણિપુરના સરહદી ગામ ક્વાથા ખૂનાઉના લોકો ખિન્ન

(એજન્સી) તા.૨૩
ક્વાથા ખૂનાઉ એ મણિપુરના તેગનોઉપલ જિલ્લામાં ભારત- મ્યાનમાર સરહદે આવેલું એક નાનકડું ગામ છે. સરહદ પર મોરેહના વ્યાપારી શહેરથી તે ૧૬ કિ.મી. દૂર છે. જો બાઇક પર પાંચ મિનિટના અંતરે આવેલ પડોશના મ્યાનમારનું ગામ કોન્દોંગ ન હોત તો આ દૂરના અંતરિયાળ સરહદી ગામના લોકોને ભારે મુશ્કેલી પડી હોત. પડોશનું કોન્દોંગ ગામ એ તેમની દૈનિક જરુરિયાત માટે સૌથી નજીકનું સ્થળ છે. ક્વાથા ખૂનાઉ ગામ કોન્દોંગ સાથે મૈત્રીપૂર્ણ અને કેટલાક કિસ્સાઓમાં સંપન્ન થયેલા લગ્ન બાદ વૈવાહિક રીતે પણ જોડાણ ધરાવે છે. બંને બાજુના આ બંને ગામો તેમની પરંપરાગત સરહદ માટે સ્વામીત્વની ભાવના ધરાવે છે અને પારસ્પારિક આદરને કારણે બંને પક્ષે એક બીજાના વિસ્તારમાં પગપેસારો કર્યો નથી. ભારતીય અને મ્યાનમારના આ બંને ગામો વચ્ચે સારા પડોશી સબંધો પ્રવર્તે છે એ વાત એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે ક્વાથા ગામ પોતાની સરહદમાંથી વહેતા ઝરણાનું પાણી કોન્દોંગને પૂરુ પાડે છે. ક્વાથા ખૂનાઉને હવે એ વાતનો ડર છે કે ભારત મ્યાનમારને ખુશ કરવાની નીતિ અનુસરીને બંને ગામો વચ્ચે રહેલી વર્ષો જૂની પરંપરાગત સરહદની ઉપેક્ષા કરીને સરહદી સ્તંભોના બાંધકામ માટે મંજૂરી આપતું હોવાથી હવે બંને ગામો વચ્ચેના સંબંધોમાં બદલાવ આવશે. દરમિયાન સરહદે જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના કારણે ગ્રામજનોએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. પહેલો પ્રશ્ન એ છે કે જેઓ સરહદના સાચા સંત્રી છે એવા પોતાના લોકો સાથે સેના કેમ વાત કરતી નથી ? ક્વાથા ખૂનાઉ ગામના સરપંચ મનિહાર મેઇતેઇએ ફરિયાદ કરી હતી કે સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ જ્યારે સર્વે માટે આવે છે ત્યારે તેઓ અમારો પરામર્શ કરતા નથી તેના બદલે તેઓ મ્યાનમારની સેનાને પોતાની સાથે લઇ જઇને કામ કરાવે છે. આ પદ્ધતિને કારણે ગ્રામજનો પ્રશ્ન પૂછે છે કે જેઓ સરહદના સાચા સંત્રીઓ છે તેવા લોકો સાથે શા માટે વિચારવિમર્શ કરવામાં આવતો નથી ? જ્યારે સરહદી સ્તંભ હટાવવાનો હોય ત્યારે સત્તાવાળાઓએ આવીને અમને પૂછવું જોઇએ નહી ? તેમણે અમને કેમ વિશ્વાસમાં લીધા નથી ?

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks